આજના વિદ્યાર્થીની સમસ્યાઓ પર નિબંધ Aaj na Vidyarthi ni Samasya Essay in Gujarati

આજના વિદ્યાર્થીની સમસ્યાઓ પર નિબંધ Aaj na Vidyarthi ni Samasya Essay in Gujarati: આઝાદી પછી આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, તેની સાથેસાથે વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ વધતી ગઈ છે. ક્યારેક તો લાગે છે કે આજના વિદ્યાર્થીની સામે કોઈ દિશા જ રહી નથી. તેને અનેક પ્રકારની સમસ્યાઓ સતાવી રહી છે, પરિણામે તે સતત માનસિક તાણ અનુભવે છે, જેની તેના અભ્યાસ પર માઠી અસર પડે છે.

આજના વિદ્યાર્થીની સમસ્યાઓ પર નિબંધ Aaj na Vidyarthi ni Samasya Essay in Gujarati

આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે. સામાન્ય માબાપ પોતાનાં બાળકોને સારી કહેવાતી શાળામાં દાખલ કરાવી શકતાં નથી. બાલમંદિરમાં પ્રવેશ મેળવવા માટે પણ મોટી રકમનું ‘ડોનેશન’ આપવું પડે છે. આથી કેટલાંક બાળકો સરકારી શાળાઓમાં દાખલ થાય છે, પરંતુ ત્યાં શિક્ષણનું સ્તર સંતોષકારક હોતું નથી. આથી બધા વિદ્યાર્થીઓને ભણવાની સારી તકો. સાંપડતી નથી.

આજનું શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી બની ગયું છે, પરિણામે વિદ્યાર્થીને જીવનલક્ષી કેળવણી મળતી નથી. અભ્યાસ પૂરો કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓને યોગ્ય નોકરી મળી શકતી નથી. પરિણામે તેમનાં કીમતી વર્ષો બેકારીમાં વેડફાઈ જાય છે.

ગણતર વિનાનું આજનું ભણતર ગોખણિયું બની ગયું છે. વિદ્યાર્થીએ દિવસરાત એક કરીને પાઠ ગોખવા પડે છે. આથી તે અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકતો નથી, પરિણામે તેનો વિકાસ રૂંધાય છે. આજકાલ વ્યક્તિત્વ અને કારકિર્દી ઘડવા માટે અનેક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, પરંતુ તેની ફી એટલી બધી ઊંચી હોય છે કે સામાન્ય વિદ્યાર્થી તો તેનો લાભ લેવાની કલ્પના પણ કરી શકે નહિ. એટલું જ નહિ, પોતાની કારકિર્દીમાં કયો અભ્યાસક્રમ એને ઉપયોગી થઈ પડશે એનું યોગ્ય માર્ગદર્શન એને નથી માબાપ પાસેથી મળતું, નથી શિક્ષકો પાસેથી મળતું. પરિણામે ગાડરિયા પ્રવાહમાં તણાઈને કે માબાપની મરજી મુજબનો ગમે તે અભ્યાસક્રમ એ પસંદ કરી લે છે અને છેવટે સારું પરિણામ ન આવતાં તે હતાશ થઈ જાય છે, દિશાશૂન્ય થઈ જાય છે.

ઘણી શાળાઓમાં સંતોષકારક શિક્ષણકાર્ય થતું નથી. શિક્ષકોને ગમે તેમ કરીને અભ્યાસક્રમ પૂરો કરવામાં જ રસ હોય છે. વિદ્યાર્થીઓને એમાં કંઈ સમજણ પડી છે કે નહિ તેની દરકાર કરવામાં આવતી નથી, તેમને આડકતરી રીતે કોચિંગ ક્લાસમાં જોડાવાની કે વ્યક્તિગત ટ્યૂશનો લેવાની ફરજ પાડવામાં આવે છે. આર્થિક રીતે નબળા લોકો કોચિંગ ક્લાસ કે ટ્યૂશનનો ખર્ચ વેઠી શકતી નથી. આથી. તેમનાં બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે. આખો દિવસ કમાવામાં રચ્યાંપચ્યાં રહેનારાં માબાપ પાસેથી અને શાળામાં શિક્ષકો પાસેથી વિદ્યાર્થીનિ પૂરતી હૂંફ મળતી નથી, આથી તે એક્લતાનો અનુભવ કરે છે.

શિક્ષણતંત્રના અધિકારીઓ શિક્ષણમાં છાશવારે જાતજાતના ફેરફારો કરીને વિદ્યાર્થીઓની મૂંઝવણમાં વધારો કરે છે. નવાનવા અભ્યાસક્રમો અને નવીનવી પરીક્ષાપદ્ધતિઓને લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે. વળી રાજકારણીઓ, સમાજસેવકો, વ્યવસાયી પ્રચારકો, પ્રકાશકો વગેરે પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે વિદ્યાર્થીઓને લોભામણી જાહેરાતો દ્વારા ગેરમાર્ગે દોરે છે. આથી બિચારો વિદ્યાર્થી વિમાસણમાં મુકાઈ જાય છે.

વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ શોધવા ઘણી જગ્યાએ માર્ગદર્શન આપતાં વ્યાખ્યાનો યોજાય છે, વર્તમાનપત્રમાં કટાર લખાય છે પરંતુ એ પૂરતું નથી. માબાપે સારા શિક્ષકો પાસેથી સલાહસૂચનો લેવાં જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણવ્યવસ્થાની માહિતી મેળવીને વિદ્યાર્થીને યોગ્ય માર્ગ દેખાડવો જોઈએ. આ દિશામાં નક્કર કાર્ય નહિ થાય તો દિશાશૂન્ય વિદ્યાર્થી ખોટા માર્ગે ધકેલાઈ જશે. આતંકવાદમાં જોડાયેલા યુવાનોના જીવનમાં ડોકિયું કરશો તો વિદ્યાર્થીની હતાશા, ગરીબાઈ અને યોગ્ય શિક્ષણનો અભાવ નજરે પડશે માટે વિદ્યાર્થીની સમસ્યા ઉકેલવી એ કુટુંબ, સમાજ અને દેશના હિતમાં છે.