એક તૂટેલા યુદ્ધ વિમાનની આત્મકથા પર નિબંધ Autobiography of a Broken Warplane Essay in Gujarati

એક તૂટેલા યુદ્ધ વિમાનની આત્મકથા પર નિબંધ Autobiography of a Broken Warplane Essay in Gujarati OR Ek Tutela Yuddha Vimanani Atmakatha Gujarati Nibandh: વહાલાં બાળકો, તમે મને મળવા આવ્યાં છો એથી મને ઘણો આનંદ થયો છે. તમે આવ્યાં છો તો થોડી વાર થોભો અને મારી કહાણી સાંભળો.

એક તૂટેલા યુદ્ધ વિમાનની આત્મકથા પર નિબંધ Autobiography of a Broken Warplane Essay in Gujarati

મને ઓળખું ને? એક યુદ્ધવિમાન છું. એક સમયની મારી મજબૂત પાંખો હવે ભાંગી ગઈ છે. મારાં પૈડાં ગાયબ થઈ ગયાં છે. મારું આખું રૂપ જ બદલાઈ ગયું છે. હવે હું ભંગાર સ્વરૂપમાં અહીં પડ્યું હોવા છતાં તમારા જેવાં બાળકોને જોઉં છું ત્યારે મારું હૈયું પુલકિત થઈ ઊઠે છે. મને એ વાતનો આનંદ છે કે દેશસેવા કરતાં કરતાં મેં મારું બલિદાન આપ્યું છે.

મારા જન્મનો ઇતિહાસ ભવ્ય છે. યુદ્ધવિમાનો બનાવતી એક ફૅક્ટરીમાં મારો જન્મ થયો હતો. વિજ્ઞાનના કસબીઓએ ખૂબ કાળજીપૂર્વક મારી રચના કરી હતી ત્યારબાદ મારા ઉપર અનેક પ્રકારનાં પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. સૌ મારું નાનું કદ અને અદ્ભુત ચપળતા જોઈને રોમાંચ અનુભવતા. મને મારી શક્તિ માટે ગર્વ થતો હતો. મને મારા જેવાં બીજાં વિમાનોના જૂથમાં સામેલ કરી દેવામાં આવ્યું. ત્યાં આટલા બધા ભાઈબંધોને જોઈ હું ખૂબ ખુશ થઈ ગયું. અમારા માથે હવે ખૂબ મોટી જવાબદારી હતી. દુશ્મન પ્રદેશમાં ઘૂસી જઈને બૉમ્બવર્ષા દ્વારા અમારે દુશ્મનોના દાંત ખાટા કરી દેવાના હતા. આપણા દેશવાસીઓએ અમારામાં મૂકેલા વિશ્વાસને સાકાર કરી બતાવવા માટે અમે થનગની રહ્યાં હતાં .

મારી શક્તિ પુરવાર કરી બતાવવા માટે મારે ખાસ્સાં પાંચ વર્ષ સુધી રાહ જોવી પડી. એક વખત પડોશી દેશે આપણા દેશની સરહદે આક્રમણ કર્યું. દુશ્મનદળના સૈનિકોને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી પહોંચ્યો. આપણા પાયદળ, હવાઈદળ અને નૌકાદળના લશ્કરી વડાઓએ પરસ્પર સંકલન કરીને એક યોજના બનાવી. એ યોજના પ્રમાણે આપણે દુશ્મન દેશમાં ઘૂસી જઈને તેનાં મહત્ત્વનાં લશ્કરી મથકો પર બૉમ્બવર્ષા કરી તેમનો નાશ કરવાનો હતો. મારા ભાઈબંધોમાંથી અનેક વિમાનોએ પોતપોતાની કામગીરી શરૂ કરી દીધી. યુદ્ધભૂમિ પર ગયેલાં કેટલાંક વિમાનો પાછા ન ફરી શક્યાં. જ્યારે કેટલાંક વિમાનો અધમૂઓ થઈને પાછા ફર્યા. હું પણ “કરો યા મરો'(do or die)ની નિર્ણાયક કામગીરી કરવા માટે સજ્જ હતું, એક દિવસ મને પણ એવી તક મળી ગઈ.

મારા પડખામાં બૉમ્બની સામગ્રી ભરવામાં આવી. મારા ચાલકે મારી કોકપિટમાં આસન જમાવ્યું અને ‘જયહિંદ’નો નારો લગાવીને તે મને લઈને ઊપડ્યો. અહો ! મારી ગતિ કેવી હતી ! આકાશ સાથે વાતો કરતાં મારા આનંદનો પાર ન હતો. ગામો, શહેરો, હરિયાળાં ખેતરો, નદીઓ, પર્વતો વગેરે વટાવીને મેં દુશ્મનના પ્રદેશમાં પ્રવેશ ક્યોં. મારા ધબકારા વધી ગયા. દુશ્મનના દેશમાં પહોંચતાં જ અમુક ચોક્કસ નિશાન પર મારા પાઇલૉટે બૉમ્બવર્ષા શરૂ કરી દીધી. દુમનદળમાં હાહાકાર મચી ગયો. દુશ્મનોની છાવણીનો આખો વિસ્તાર ભીષણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. એ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો. કર્તવ્યપાલનનો આનંદ મારા હૃદયમાં સમાતો ન હતો. મારું કર્તવ્ય પૂરું કરીને પાછાં ફરતાં મારા પાઇલૉટે મને દુશ્મનોની નજરથી બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ દુશ્મનોએ મારો પીછો કરી મારા પર બેફામ મિસાઇલો વરસાવવા માંડી. આથી મારી બંને પાંખો તૂટી ગઈ અને મારી પેટ્રોલની ટાંકીમાં આગ લાગી ગઈ. આગની જ્વાળાઓમાં લપેટાઈને મારું કલેવર કડડભૂસ કરતું નીચે તૂટી પડવું. મારા પાઈલોટનું પણ એ સાથે મોત થયું. મને પારાવાર દુ:ખ થયું. મારાં અંગો તો ઓળખી ન શકાય એવાં થઈ ગયાં હતાં.

મારું મન અત્યારે પણ દેશભક્તિ અને ફરજપાલન કર્યાની તૃપ્તિથી છલકાઈ રહ્યું છે. બાળમિત્રો ! આપણા દેશની રક્ષા કરવાની જવાબદારી હવે તમારે શિરે છે; ભારત માતા કી જય.