કપાયેલ પતંગ ની આત્મકથા પર નિબંધ Autobiography of a Kite Essay in Gujarati

કપાયેલ પતંગ ની આત્મકથા પર નિબંધ Autobiography of a Kite Essay in Gujarati OR Kapayela Patanga Ni Atmakatha Gujarati Nibandh: ‘અરે ! અરે ! બાળકો. દોરીની ખેંચાખેંચ ના કરો. તમારા કોમળ આંગળાં પર ચીરા પડશે.’ ‘કોણ છો તમે? ક્યાંથી બોલો છો ?’

એ તો હું કપાયેલા પતંગ બોલું છું. મારી દશા તો જુઓ, મારી કમાન તૂટી ગઈ છે. મારો આકાર સાવ બદલાઈ ગયો છે. હું તમને આપવીતી સંભળાવી આશ્વાસન મેળવવા ઇચ્છું છું. મારી કહાણી રોમાંચક છે. તેમાંથી તમને કંઈક નવું જાણવા મળશે અને મને મારી કહાણી સંભળાવ્યાનો આનંદ થશે.

 

કપાયેલ પતંગ ની આત્મકથા પર નિબંધ Autobiography of a Kite Essay in Gujarati

મારો જન્મ અમદાવાદની એક પોળમાં થયો હતો. દિવાળી પછી પતંગ બનાવનારા કારીગરોએ પતંગ બનાવવા માટે મોટા જથ્થામાં કાગળો અને વાંસની સળિયો ખરીદ્યાં. એકસાથે અનેક કારીગરો કામે વળગ્યા. તેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં, પતંગ બનાવવા માટે કાગળમાંથી ભાતભાતના આકારો કાપવામાં આવ્યા. તેના સાંધા કરવામાં આવ્યા. તેના પર વાંસની કમાનો અને ઢઢ્ઢા ચોંટાડવામાં આવ્યા. તેમાં હું પણ હતો. તે વખતની વેદના અસહ્ય હતી, પરંતુ મારો ઘાટ ઘડાતાં હું મનોમન હરખાવા લાગ્યો. સાથે મારા અનેક ભાઈબંધો હતા. અમને તૈયાર કરીને એક ઓરડીમાં પૂરવામાં આવ્યા. અહીં મને અતિશય અકળામણ થવા લાગી.

એક દિવસ એક વેપારી આવ્યો. ભાવતાલ નક્કી કરી, ખરીદ કરીને, દુકાને લઈ ગયો. અર્શીથી અમારી મુસાફરી શરૂ થઈ. તેની દુકાનમાં મને મઝા પડી. જાણો છો કેમ? અહીં મને ચોખ્ખી હવા મળવા લાગી અને ઘણા લોકોની અવરજવર જોવા મળી.

જેમજેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવવા લાગ્યો તેમતેમ પતંગની દુકાનો પર પતંગો ખરીદનારાઓની ભીડ વધવા લાગી. ઉત્તરાયણની આગલી રાતે ઝગમગતી રોશનીમાં પતંગની દુકાનો પર લોકોની ભારે ભીડ જામી. એક બાળક તેના પિતા સાથે આવ્યું. તેમણે અમને ખરીદી લીધા. હવે હું તે બાળકને ઘેર પહોંચ્યો. અમને જોઈને ઘરનાં નાનાંમોટાં સૌ હરખાઈ ગયાં. અમને કિન્ના બાંધવામાં આવી.

ઉત્તરાયણના દિવસે ઘરનાં સો વહેલાં ઊઠ્યાં. તૈયાર થયાં. બાળક અને તેના પિતા અમને લઈને ધાબે પહોંચી ગયા. ત્યાં મને ‘કાટા…’ ‘કાટા…’, ‘લપેટ…’ ‘લપેટ…’ની બૂમો સાંભળવા મળી. મને હવે ડર લાગવા માંડ્યો. એવામાં મારો વારો આવ્યો. બાળકના પિતાએ મારી જ પસંદગી કરી. મને માથે રાખી, આમતેમ ફેરવી મારી સાથે ફીરકીની દોરીનો છેડો બાંધ્યો. મને વેદના થઈ પણ હું કોને કહું? પછી મને હવામાં ચગાવ્યો. થોડા જ સમયમાં હું આકાશમાં ઊંચે ઊડવા લાગ્યો. અહાહા – કેવી મઝા ! સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી એટલે કે મારા ભાઈબંધોથી દીપી ઊઠ્યું હતું. ઠંડીઝંડી હવા મારા તનમનને પ્રસન્ન કરી રહી હતી. ઊંચેથી જોતાં સડકો કોઈએ વાંકીચૂંકી રેખાઓ દોરી હોય તેવી લાગતી હતી. વાહનોની અવરજવર કીડીઓની અવરજવર જેવી દેખાતી હતી. આ બધું દશ્ય આજે પણ મને યાદ આવે છે. હું તે બાળકના પિતાના હાથના ઇશારે ઘડીકમાં ઘણે ઊંચે પહોંચી જતો તો ઘડીકમાં ગુલાંટ ખાતો. એવામાં મારો બીજાના પતંગ સાથે પેચ લાગ્યો. પરંતુ આ શું? હું જીત્યો. બીજાનો પતંગ કપાઈ ગયો. તેની સાથે જ ધાબા પરથી ‘કાટા…’ ‘કાટા…’, ‘લપેટ…’ ‘લપેટ…’ની બૂમો સંભળાઈ. ઢોલનગારાં પીટાવા લાગ્યાં. હવે હું નિર્ભય હતો. મને ચગાવનારે મન મૂકીને દોરી છોડી. હું જાણે ઊંઘી ગયો હોઉં તેમ આકાશમાં ખૂબ ઊંચે જઈ સ્થિર થઈ ગયો. આમ અડધો કલાક સ્થિર રહ્યો હોઈશ ત્યાં પેચ લાગ્યો અને હું ઊંઘતો ઝડપાઈ ગયો. હું કપાઈ ગયો. દૂરદૂર ઊડવા લાગ્યો. ધીરેધીરે નીચે આવ્યો. નીચે આવતાં જ પતંગ પકડતા ટોળાએ મને ઝડપી લીધો. ઝપાઝપીમાં મારા આવા હાલ થઈ ગયા. હવે મારી સામું જોવાની પણ કોઈને ફુરસદ નથી.

તમે મારી આપવીતી સાંભળી તેથી મને સંતોષ થયો છે. તમારો ખૂબખૂબ આભાર.