શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati

શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati or Shaherijivan Maryada Guajrati Nibandh: “ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી.” – નિરંજન ભગત ભારતનાં ગામડાં ક્રમશઃ તૂટી રહ્યાં છે અને શહેરો ગીચ વસ્તીની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આવી સ્થિતિ ઊભી થવા માટે કેટલાક સંજોગો અને ગામડાંના લોકોની શહેરીજીવન પ્રત્યેની ઘેલછા જ જવાબદાર છે.

શહેરીજીવનની મર્યાદાઓ પર નિબંધ City Life Problems Essay in Gujarati

શહેરોનો બાહ્ય ચળકાટ માણસને આકર્ષણ કરાવનારો હોય છે. ભવ્ય અને ગગનચુંબી મકાનો, આલીશાન બંગલા, વિશાળ રાજમાર્ગો, રંગબેરંગી વાહનોની ચમકદમક, આધુનિક અને વિશાળ દવાખાનાં, ઑફિસો, બૅન્કો, સિનેમાગૃહો, નાટ્યગૃહો, સારી સારી શિક્ષણસંસ્થાઓ, સુવ્યવસ્થિત બાગબગીચા, અદ્યતન હૉટલો, સમૃદ્ધ ગ્રંથાલયો, ભવ્ય મંદિરો, ઐતિહાસિક ઇમારતો વગેરે કોઈ પણ માણસના મનમાં શહેરનું આકર્ષણ જગાડવા માટે પૂરતાં છે. શહેરમાં સુખસગવડનાં અને મોજશોખનાં અનેક સાધનો છૂટથી મળી રહે છે. મોટાંમોટાં બજારો અને અઘતન દુકાનોમાં જે જોઈએ તે મળી જાય છે. વાહનવ્યવહાર માટે અનેક સાધનો પણ જોઈએ ત્યાં અને જોઈએ ત્યારે સહેલાઈથી મળી રહે છે. વિદ્યાર્થીઓને શહેરમાં સારામાં સારી કારકિર્દી બનાવવાની તક મળે છે. વાચનના શોખીન લોકોને માટે શહેરોમાં સારાં ગ્રંથાલયો હોય છે. આમ, અહીં દરેક માણસને તેની રુચિ મુજબ કામ અને તેના કામની યોગ્ય કદર કરનારી સંસ્થાઓ પણ મળી રહે છે. તેથી દરેક મનુષ્ય પોતાની બુદ્ધિશક્તિ મુજબ પ્રગતિ સાધી શકે છે.

પરંતુ ‘ચળકે એટલું સોનું નહિ’ એ કહેવત શહેરોને ખાસ લાગુ પડે છે. શહેરોની આંજી નાખતી ચમકદમક પાછળ રહેલી. વાસ્તવિકતા આપણને દેખાતી નથી. અહીં મુઠ્ઠીભર ધનાઢ્ય અથવા ઉચ્ચ વર્ગના લોકોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી છે. આથી એ લોકો જ વૈભવી જીવન ઠાઠમાઠથી જીવી શકે છે. જ્યારે સામાન્ય સ્તરના લોકોએ તો હાડમારીઓથી ભરેલું અને અભાવવાળું જીવન જ વિતાવવું પડે છે. શહેરીજનો વિશે યથાર્થ જ કહેવાય છે કે “શહેરમાં તમને રોટલો કદાચ સહેલાઈથી મળી જાય પણ ઓટલો ન મળે.”

મોટાં શહેરોમાં અનેક લોકો ગીચ વાલીઓ અને પોળોમાં કે ગંદી ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરે છે. ત્યાં અસંખ્ય ગરીબ માણસોએ તેમનું આખું જીવન ફૂટપાથ પર જ પસાર કરવું પડે છે. શહેરની પોળો અને ચાલીઓમાં મકાનો અડોઅડ અને ગીચોગીચ બનેલાં હોય છે. એમાં પ્રકાશ અને પવનની અવરજવર અશક્ય હોય છે. હવાપાણી અને અવાજનું પ્રદૂષણ પણ શહેરી જીવનની વિકરાળ સમસ્યા છે. વાહનોના ધુમાડા અને ઘોઘાટ તેમજ મિલો અને કારખાનાંના ધુમાડાને લીધે હવાનું તેમજ અવાજનું પ્રદૂષણ સર્જાય છે. કેમિકલનાં કારખાનાં રોજ હજારો ગૅલન પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવે છે. આથી શહેરોમાં પીવા માટે આપવામાં આવતું પાણી શુદ્ધ હશે કે કેમ એ પ્રશ્ન થાય છે. શહેરોમાં ચોખ્ખાં ઘદૂધ, શાકભાજી અને ખાવાપીવાની ચીજો મેળવવાનું પણ એટલું જ મુશ્કેલ થઈ પડ્યું છે. તેથી શહેરમાં વસતો માનવી બ્લડપ્રેશર, ડાયાબીટિસ, ડિપ્રેશન વગેરે જાતજાતના રોગનો ભોગ બને છે.

શહેરોમાં ખુલ્લી જમીન મળતી ન હોવાથી બાળકો માટે રમતગમતનાં મેદાનોનો પણ અભાવ હોય છે. તેથી બાળકોનો પર્યાપ્ત શારીરિક વિકાસ થતો નથી. કામધંધાના સ્થળો રહેણાંક વિસ્તારથી દૂર હોય છે. વહેલી સવારે કામધંધા માટે નીકળેલો માણસ મોડી સાંજે ઘેર પાછો ફરે છે ત્યારે થાકીને લોથપોથ થઈ ગયેલો હોય છે. આથી તે પરિવાર માટે પૂરતો સમય ફાળવી શકતો નથી. તે બાળકોના વિકાસ પાછળ પણ પૂરતું ધ્યાન આપી શક્તો નથી. મોંઘવારીના ચક્કરમાં પીસાતા શહેરી નાગરિકને કુદરતી સૌંદર્ય માણવા મળતું નથી. એમાંય ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સ્થિતિ તો અતિશય દયાજનક હોય છે. અહીં નાણાં વગર કોઈ જ કામ થઈ શકતું નથી. પરિણામે શહેરમાં સામાન્ય માનવીનું જીવન માનસિક તાણ, લઘુતાગ્રંથિ અને હતાશાને જન્મ આપે છે. તેને લીધે શહેરીજનોમાં માનસિક રોગો અને આત્મહત્યાનું પ્રમાણ વિશેષ હોય છે.

શહેરનો સરેરાશ માનવી સંકુચિત અને સ્વાર્થી બની જાય છે. તેના હૃદયમાંથી દયામાયા લુપ્ત થઈ જાય છે. શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ સહિયારા પુરુષાર્થ વડે શહેરની આ બધી સમસ્યાઓને હળવી જરૂરી બનાવી શકે.