આ કોમવાદ ભારતને ભરખી જશે પર નિબંધ Communalism Essay in Gujarati

આ કોમવાદ ભારતને ભરખી જશે પર નિબંધ Communalism Essay in Gujarati OR Komvad Guajrati Nibandh: આઝાદી પછી ભારતે લોકશાહી શાસન સ્વીકાર્યું. લોકશાહીમાં દેશના નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનું શાસન કરે છે, આથી ભારતમાં પહેલી વાર નાગરિકોનું મહત્ત્વ ઘણું વધી ગયું.

ભારત લોકશાહી દેશ છે. અહીં નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે સ્વતંત્ર ચૂંટણીપંચ ચૂંટણી પ્રક્રિયા સંભાળે છે. ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી થાય છે. આમ છતાં, કેટલીક વાર એવો વિચાર આવે છે કે ભારતમાં ખરેખર સાચા અર્થમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે ખરી?

આ કોમવાદ ભારતને ભરખી જશે પર નિબંધ Communalism Essay in Gujarati

આપણા દેશમાં આશરે ત્રણ હજાર કરતાંય વધુ જ્ઞાતિઓ છે અને અનેક ધર્મો છે. દરેક ચૂંટણી વખતે કોમવાદ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ઉમેદવારની પસંદગીથી માંડીને મતદાન સુધી તેમજ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં નોકરી મેળવવામાં પણ કોમવાદનું ઝેર ફરી વળ્યું છે. પરિણામે નિષ્પક્ષ ચૂંટણી અને લોકશાહી વગેરે માત્ર કાગળ પરના જ શબ્દો રહી ગયા હોય તેવું લાગે છે.

ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે પોતાની જાત ઘસી નાખી હતી. હિંદુ-મુસ્લિમ એકતા માટે તેમણે બલિદાન આપ્યું પરંતુ આજના આપણા દંભી, સ્વાર્થી તેમજ ભ્રષ્ટાચારી રાજકારણીઓએ દેશમાં કોમવાદ ફેલાવવામાં કોઈ જ કમી રાખી નથી, તેઓ કોમવાદના નામે ચૂંટાઈ આવે છે અને ત્યારપછી કોમવાદના ઝેરને ફેલાવવાનું કામ કરે છે. નાનાંનાનાં ગામડાંમાં વિવિધ કોમના લોકો સંપ અને સહકારથી ભાઈભાઈની જેમ રહેતા અને એકબીજાના સુખદુઃખના સાથી બનતા, સ્વાર્થી રાજકારણીઓએ પોતાનો રોટલો શેવા કોમવાદના નામે ગામના ભોળા લોકોમાં પણ વેરઝેર ફેલાવ્યાં છે.

આપણો દેશ કહેવાય બિનસાંપ્રદાયિક, છતાં શાળાઓ, છાત્રાલયો, કૉલેજો, હૉસ્પિટલો વગેરેમાં પ્રવેશ મેળવવા કોમ-જાતિ-ધર્મ-સંપ્રદાયને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.

કોમવાદને લીધે ઘણી વાર મોટાં મોટાં હુલ્લડો ફાટી નીકળે છે. તેમાં જાનમાલની મોટા પાયે ખુવારી થાય છે. દેશમાં અવારનવાર થતાં તોફાનોને કારણે આંતરિક સંરક્ષણ પાછળ અબજો રૂપિયા ખર્ચાય છે, પરિણામે દેશનો વિકાસ રૂંધાય છે. દેશના લોકોની શાંતિ અને સલામતી જોખમાય છે તેમજ અવિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. આખી દુનિયામાં દેશનું નામ ખરાબ થાય છે. આમ, દેશમાં હંમેશાં તનાવની સ્થિતિ રહે છે.

કોમવાદને સમયસર નાથવામાં નહિ આવે તો તે ભારતને ઘણું નુકસાન પહોંચાડશે!!! આપણે સવેળા જાગીએ. આપણે સમજીએ કે આપણા સૌના લોહીનો રંગ લાલ છે. આપણે સો એક જ ધરતીમાતાનાં સંતાનો છીએ. બધા જ ધર્મો આપણને પ્રેમ, દયા, ક્ષમા, કરુણા વગેરે શીખવે છે. આપણે માનવધર્મ અપનાવીએ. માનવ થઈને જન્મ્યા છીએ તો માનવ થઈને રહીએ.
કવિશ્રી સુન્દરમે કહ્યું છે :

“હું માનવી માનવ થાઉં તો ઘણું.”

દેશની શાંતિ, સલામતી અને પ્રગતિ માટે આપણે કોમવાદના ઝેરને ફેલાતું અટકાવવા વહેલામાં વહેલી તકે પ્રયત્ન કરીએ.