દીકરી ઘરની દીવડી પર નિબંધ Daughter Essay in Gujarati

દીકરી ઘરની દીવડી પર નિબંધ Daughter Essay in Gujarati or Dikri Ghar Ni Divdi Guajrati Nibandh: પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને ‘સાપનો ભારો’, પારકી થાપણ, ‘માથાનો બોજ’ વગેરે માનવામાં આવે છે. આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘરદીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે, દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે.

દીકરી ઘરની દીવડી પર નિબંધ Daughter Essay in Gujarati

એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતાપિતાનો રહે છે પણ દીકરી તો આજીવન માતાપિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઊજાળે છે. સમાજના વિકાસની પારાશીશી, જે-તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે. દીકરી, પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી ‘વહાલનો દરિયો’ છે.

‘બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા’ એવી કહેવત છે પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે ‘દુહિતા’ શબ્દ છે. ‘દુહિતા’ એટલે ગાય દોહનારી. પ્રાચીનકાળમાં ઘેરઘેર ગાયો પાળવામાં આવતી. તેને દોહવાની જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરનાં મોટા ભાગનાં કામો કરતી રહી છે. ઘરકામની સાથેસાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે.

તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્ત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે. પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા-પિતા બંનેને મદદરૂપ થાય છે.

અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ સ્ત્રી-ભૃણહત્યાનો સિલસિલો હજુ ચાલી રહ્યો છે. આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહે છે.

જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી-ભૂણહત્યા રોકવામાં આવે, તો સ્ત્રી-પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય ! અર્થાત્ તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર.