દિવાળી વિશે પર નિબંધ Diwali Essay in Gujarati

દિવાળી વિશે પર નિબંધ Diwali Essay in Gujarati OR Diwali Vishe Gujarati Nibandh: “દીપ જલાવો, પ્રીત જગાવો, અંતરનો અંધકાર ભગાવો.”

ભારત એટલે તહેવારોનો દેશ. આ દેશમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને તુવિષયક તહેવારો ઊજવવામાં આવે છે. એકધારા જીવનથી કંટાળેલા મનુષ્યને તહેવારોની ઉજવણીથી આનંદ, ઉલ્લાસ અને તાજગીનો અનુભવ થાય છે. દીપોત્સવી એ ભારતનો સૌથી મોટો તહેવાર છે.

દિવાળી વિશે પર નિબંધ Diwali Essay in Gujarati

દીપોત્સવીનો તહેવાર આસો મહિનામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ધનતેરસથી લાભપાંચમ સુધી, પૂરા એક અઠવાડિયા સુધી ઊજવાય છે.

ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને શ્રીરામ, લક્ષ્મણ અને સીતાએ દિવાળીના દિવસે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો. અયોધ્યાવાસીઓએ ઘેરઘેર દીવા પ્રગટાવી પોતાના લાડીલા રાજકુમારોના પુનરાગમનનો આનંદ મનાવ્યો ત્યારથી દર વર્ષે આ તહેવાર ઊજવાય છે. વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે આસો વદ અમાસ. એના બીજા દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. તેની ખુશાલીમાં પણ આ તહેવાર ઊજવાય છે.

નવરાત્રિ પૂરી થતાં જ લોકો દીપોત્સવીના સ્વાગતની તૈયારીઓમાં લાગી જાય છે. તેઓ પોતાના ઘરની સફાઈ કરે છે. ઘરની દીવાલો અને બારીબારણાં રંગવામાં આવે છે. નવાં કપડાં, ફટાકડા, મીઠાઈઓ, સુશોભનની વસ્તુઓ વગેરેની ખરીદી થાય છે. કર્મચારીઓ અને કામદારોને બોનસની રકમ મળતાં દિવાળીના દિવસોમાં બજારમાં ખરીદી, માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે.

દિવાળીના દિવસોમાં ઘરના આંગણે દીવા મૂકવામાં આવે છે. મકાનો અને દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે. બાળકોને રજાઓ હોય છે. તેઓ નવાં કપડાં પહેરીને તથા ફટાકડા ફોડીને આનંદ માણે છે.

દિવાળીના તહેવારમાં ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમના દિવસોનું વિશેષ મહત્ત્વ છે. ધનતેરસના દિવસે લક્ષ્મીનું અને કાળીચૌદસના દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. તે વર્ષનો છેલ્લો દિવસ છે. બેસતા વર્ષના દિવસે લોકો વહેલી સવારે તૈયાર થઈને મંદિરે જાય છે. વૈષણવ મંદિરોમાં ભગવાનની મૂર્તિ પાસે મુકાતાં લોકો અન્નકૂટનાં દર્શન કરે. છે. પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. તેમનું મીઠાઈ આપીને સ્વાગત કરે છે. ભાઈબીજના દિવસે બહેનને ઘેર ભાઈ જમવા માટે જાય છે. બહેન પોતાના ભાઈ માટે સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે. લાભપાંચમના દિવસે સૌ પોતપોતાના ધંધાનું મુહૂર્ત કરે છે.

દીપોત્સવી, તહેવારોનો રાજા કહેવાય છે. તે લોકપ્રિય તહેવાર છે. દિવાળીમાં ધૂમ ખરીદી થતી હોવાથી દુકાનદારોને સારી કમાણી થાય છે. વળી, આ દિવસોમાં અનેક કામો મળી રહેતાં હોવાથી કારીગર વર્ગને પણ ઘણો લાભ થાય છે. તેઓ આતુરતાથી દિવાળીની રાહ જુએ છે. દિવાળીની રજાઓમાં કેટલાક લોકો પ્રવાસે પણ ઊપડી જાય છે.

બેસતા વર્ષના દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. તેની સાથે આપણા નવા સંબંધો પણ શરૂ થાય છે. કોઈની સાથે આપણે મનદુ:ખ થયું હોય તો તે ભૂલી જઈએ. વેપારીઓની જેમ નફાનુકસાનનું સરવૈયું કાઢીએ. અંતરનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ. એકબીજાને સમજીએ અને મદદરૂપ થઈએ. દીપોત્સવીના પર્વનો આ જ સંદેશ છે.

આપણે ગાંધીજીનો આ સંદેશ પણ યાદ રાખીએ : “ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. આ બધું તેના ભલાને સારુ નહિ પરંતુ તમારા ભલાને સારુ કરજો. જગત. લેણદાર છે અને આપણે તેના કરજદાર છીએ.”