કાળનોયે કાળ દુષ્કાળ અથવા અનાવૃષ્ટિ પર નિબંધ Drought Essay in Gujarati

કાળનોયે કાળ દુષ્કાળ અથવા અનાવૃષ્ટિ પર નિબંધ Drought Essay in Gujarati: વર્ષાઋતુ આપણી જીવનદાત્રી છે. ગ્રીખના આકરા તાપથી આકુળવ્યાકુળ થયેલાં માનવી, પશુ, પંખી બધાં ચાતકનજરે આભ ભણી મીટ માંડીને વર્ષાના આગમનની વાટ જુએ છે. આભમાં વાદળ જોઈને સહુને વરસાદની આશા બંધાય છે.

વષ તુમાં આકાશમાં ઘટાટોપ વાદળાં ચડી આવે, વીજળી ચમકે, વાદળ ગરજે, પવનના સુસવાટા થાય. છેવટે મેહુલાની સવારી આવી પહોંચે. વરસાદ વરસતાં સથળે આનંદ આનંદ છવાઈ જાય છે. મોર કળા કરી. નાચે છે. તેના ટહુકા વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. દેડકો ‘ડ્રાંઉં… ડ્રાંઉં…’ કરીને વર્ષનું સ્વાગત કરે છે.

કાળનોયે કાળ દુષ્કાળ અથવા અનાવૃષ્ટિ પર નિબંધ Drought Essay in Gujarati

પરંતુ, કોઈ વરસે એકાદ વરસાદ થયા પછી ફરીથી વર્ષાનાં દર્શન થતાં જ નથી. આકાશમાં વાદળાં દેખાય ખરાં, પણ વરસે નહિ. માનવ, પશુ, પંખી, વનસ્પતિ તરસે પણ વાદળાં વરસે જ નહિ. દિવસોના દિવસો પસાર થતા જાય ને જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય. વર્ષ તો પશુપંખી, માનવી અને વનસ્પતિના જીવનનો આધાર છે. લોકો મેઘરાજાને મનાવવા માટે પ્રાર્થના કરે છે. મંદિરોમાં શિવલિંગને જળમાં ડુબાડીને શિવજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. લોકો વ્યાકુળ હૃદયે ગાય છે :

“ટૂંઢિયા બાપજી મે’ વરસાવો;
સૂડલે સૂપડે મે’ વરસાવો;
ગાયોના પુણ્ય મે’ વરસાવો.”

આમ છતાં, વરસાદ વરસે નહિ ત્યારે ધરતી પર આફત ઊતરી પડે છે. ખેતરોમાં કરેલી વાવણી નિષ્ફળ જાય છે. અનાજ અને ઘાસચારાની તીવ્ર અછતને લીધે ખેડૂતો અને પશુપાલકોનું જીવવું કઠિન બને છે. ખેડૂતો પાયમાલ થઈ જાય છે. જળાશયો સુકાઈ જાય છે કે તેનાં તળિયાં ઊંડાં ઊતરી જાય છે. વરસાદના અભાવે પાણીની તીવ્ર અછત વરતાય છે. ઝાડ-પાન સુકાઈ જાય છે. પરિણામે સૃષ્ટિનું પ્રાકૃતિક સૌંદર્ય નષ્ટ થાય છે. માનવે અવનવી વૈજ્ઞાનિક શોધો કરી છે, પરંતુ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને ધરતીકંપ જેવી કુદરતી આફતો સામે તે અસહાય બની રહે છે.

દુકાળના સમયમાં મનુષ્યો અને પશુપંખીઓને અનેક હાડમારી વેઠવી પડે છે. લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે. ખેડૂતો અને પશુપાલકો મોંધું પશુધન બચાવવા માટે હિજરત કરે છે કે નજીવી કિંમતે પશુઓને વેચી દે છે. તેમાં પણ ઉનાળો આવે ત્યારે દુકાળ પરાકાષ્ઠાએ પહોંચે છે. કેટલાંય ઢોર મરણને શરણ થઈ જાય છે. ચોરી અને લૂંટફાટના બનાવો પણ ઘણા વધી જાય છે.

પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’માં દુકાળનું વરવું શબ્દચિત્ર આબેહૂબ રજૂ થયું છે. પેટની ભૂખને શાંત કરવા ભીલ લોકે પોતાનાં જ ઢોરને કાપીને ખાય છે ત્યારે કાળુ કહે છે :

“માનવ ભૂંડો નથી, ભાઈ, ભૂખ ભૂંડી છે.”

કાળનાય કાળ એવા દુકાળના સમયમાં માનવીની માનવતાનાં દર્શન થાય છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દુકાળગ્રસ્ત લોકોની વહારે દોડી આવે છે. ટૅન્કરો દ્વારા ગામેગામ પાણી પહોંચાડવામાં આવે છે. ઠેરઠેર ઢોરવાડા શરૂ કરવામાં આવે છે, તેમાં ઘાસચારો અને પાણીની સગવડ કરવામાં આવે છે. સરકાર રાહતકાર્યો શરૂ કરે છે. એમાં કાર પર દુકાળથી અસરગ્રસ્ત અને જરૂરિયાતવાળા લોકોને રોજીરોટી પૂરાં પાડવામાં આવે છે પણ આ કાયમી ઉકેલ નથી.

દુકાળના કાયમી ઉકેલ માટે જુદી જુદી પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરવા માટેના ઉપાયો કરવા જરૂરી છે. ઘણી જગ્યાએ ચેકડેમ બાંધીને ઓછા પાણીમાં શાકભાજી, ફળફૂલ ઇત્યાદિ ઉગાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. એનાથી ઘણો ફાયદો થાય છે. દઢ મનોબળ, પ્રામાણિક પ્રયત્નો અને પરસ્પરના સહકારથી પર્યાવરણ જાળવવાનું કાર્ય કરતાં રહીશું તો ભારતમાંથી દુકાળના ઓળાને ધીરેધીરે દૂર કરવામાં સફળ થઈ શકીશું.