માતૃભાષામાં શિક્ષણ પર નિબંધ Education in Mother Tongue Essay in Gujarati

માતૃભાષામાં શિક્ષણ પર નિબંધ Education in Mother Tongue Essay in Gujarati OR Matrubhasha Ma Shikshan Guajrati Nibandh: આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂક્વાની એક ફૅશન થઈ ગઈ છે. તેમાં પણ નાનાંમોટાં શહેરોના વાલીઓ તો પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવવા આકાશપાતાળ એક કરતાં હોય છે. આવા સમયે પ્રશ્ન થાય છે કે બાળકોને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષા દ્વારા?

માતૃભાષામાં શિક્ષણ પર નિબંધ Education in Mother Tongue Essay in Gujarati

માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા, ઘરમાં જે ભાષા બોલાતી હોય છે તે જ બાળકની માતૃભાષા હોય છે. ઘરની આસપાસમાં પણ મોટા ભાગે બાળકના ઘરમાં બોલાતી ભાષા જ બોલાતી હોય છે. આમ, ઘર તથા આસપાસના વાતાવરણમાંથી બાળક ભાષા બોલતાં શીખે છે, જે એની પોતાની ભાષા બની રહે છે. આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ સરળ પડે છે. વળી, નિશાળમાં ભણતી વખતે માતૃભાષા લખતાં વાંચતાં તેને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા આપવું ઇષ્ટ ગણાય. બાળકના વિકાસ માટે પણ તે ઉત્તમ ગણાય. આમ, માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલદી પચે છે. આથી બાળક જે-તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતાં બાળક પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઊઠે છે. તદુપરાંત, એક વાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવામાં ઘણી સરળતા રહે છે.

એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી અને સમૃદ્ધ ભાષા છે પરંતુ એ માટે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મોકલવામાં આવે એ કેટલું યોગ્ય ગણાય તે એક પ્રશ્ન છે. એથી ઊલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું વાતાવરણ મળતું ન હોવાથી બાળકોને અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેઓ કેટલીક વખત અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેઓ અંગ્રેજી ભાષામાં પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકતાં નથી. હા, ઉચ્ચશિક્ષણમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણને ભલે સ્થાન અપાય પરંતુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો માતૃભાષા દ્વારા શિક્ષણ એ જ આદર્શ સ્થિતિ ગણાવી જોઈએ.

આપણે જો સાચું લોકતંત્ર સ્થાપવા માગતા હોઈએ તો દેશનો વ્યવહાર પણ માતૃભાષામાં અને રાષ્ટ્રભાષામાં જ ચાલવો જોઈએ. તે માટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ.

દુનિયામાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ છે એ ખરું પરંતુ માતૃભાષાને અવગણીને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અપાતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાળકને માટે ભારરૂપ બની જાય છે તે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આમ, આપણે દેખાદેખીથી નહિ પરંતુ બાળકના માનસિક વિકાસને લક્ષમાં લઈને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.