આજના વિદ્યાર્થીના વાલીની વ્યથા પર નિબંધ Grief of today’s student’s Parents Essay in Gujarati

આજના વિદ્યાર્થીના વાલીની વ્યથા પર નિબંધ Grief of today’s student’s Parents Essay in Gujarati: બાળકનો જન્મ થાય એ માબાપ માટે અતિ, આનંદનો અવસર ગણાય છે. દરેક માતાપિતા પોતાના બાળકને ખૂબ પ્રેમથી ઉછેરે છે, પણ બાળક નિશાળે જવાનું શરૂ કરે કે માબાપની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.

આજના વિદ્યાર્થીના વાલીની વ્યથા પર નિબંધ Grief of today’s student’s Parents Essay in Gujarati

બાળકને બાલમંદિરમાં દાખલ કરવા માટે વાલીએ કેટલીક વાર ‘ડોનેશન’ આપવું પડે છે. જેવી શાળા તેવું ડોનેશન ! કેટલીક શાળાઓમાં બાળકને દાખલ કરવા માટે વગદાર વ્યક્તિની ઓળખાણ કામે લગાડવી પડે છે. આવી વગ મેળવવા માટે બાળકના વાલીએ અથાક પરિશ્રમ કરવો પડે છે.

સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સામાન્ય હોય છે. તેથી બાળકને ખાનગી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવવું પડે છે. એ માટે વાલીએ ફી, રિક્ષાભાડું, પુસ્તકોનો અને નોટબુકોનો ખર્ચ, ગણવેશનો ખર્ચ, નારતાનો ખર્ચ અને પ્રવાસ-પર્યટનનો ખર્ચ કરવો પડે છે. વળી, પોતાના બાળકને ખર્ચાળ કોચિંગ ક્લાસ કે ટયૂશનની વ્યવસ્થા પણ કરી આપવી પડે છે. આ બધા ખર્ચા મધ્યમ વર્ગના વાલીની કમર તોડી નાખે છે. વિદ્યાર્થી માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરે પછી વાહનની અપેક્ષા રાખે છે. સામાન્ય સ્થિતિના માણસે પણ ગમે તેમ કરીને પોતાના સંતાનને વાહન લાવી આપવું પડે છે !

શાળાનું શિક્ષણ પૂરું થયા પછી વિદ્યાર્થીને ઊંચી ફી ભરીને કૉલેજમાં દાખલ કરવામાં આવે છે. કૉલેજના મુક્ત વાતાવરણને લીધે વિદ્યાર્થી ઘણી વાર ખરાબ સોબતમાં ફસાઈ જાય છે. તે કૉલેજમાં જવાને બદલે ક્યારેક હૉટલ કે સિનેમામાં જતો થઈ જાય છે. કોઈક વાર તે સિગરેટ, તમાકુ કે દારૂ જેવા વ્યસનમાં સપડાઈ જાય છે. પોતાના બાળકની આવી દુર્ગતિની જાણ થતાં વાલીની વેદનામાં વધારો થાય છે. વાલીની એ વેદનાને બાળક ક્યાંથી. સમજી શકે? ઘણી વાર કૉલેજમાં ભણતી દીકરી માબાપના અંકુશમાં રહેતી નથી અને માબાપની લાગણીને ઠેસ પહોંચે તેવું વર્તન કરે છે. નબળા મનની છોકરીઓ આવારા અને મુફલિસ છોકરાઓની જાળમાં ફસાઈ જાય છે, પરિણામે તે ઘરમાંથી ભાગી જાય છે અને કુપાત્રની સાથે લગ્ન કરી લે છે. આવા પ્રસંગે વાલીઓની વેદનાની સીમા નથી રહેતી.

ઘણી વાર રાજકારણીઓ અને અસામાજિક તત્ત્વો વિદ્યાર્થીઓને હાથા બનાવીને એમના દ્વારા તોફાનો કરાવે છે. તેનાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને તેઓ અસામાજિક તત્ત્વોના હાથા બની જાય છે. આવા વિદ્યાર્થીઓનાં માતાપિતાનું સઘળું કર્યું-કારવ્યું ધૂળમાં મળી જાય છે.

વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થઈ જાય, તે પછી પણ વાલીની વ્યથામાં ઘટાડો થતો નથી. આજે બૅકારીનું પ્રમાણ એટલું બધું છે કે યોગ્ય નોકરી મળવી અતિ મુશ્કેલ છે. મોટા ભાગના ઉમેદવારો યોગ્યતાનાં પ્રમાણપત્રોની ફાઈલ હાથમાં લઈને નોકરીની શોધમાં રખડ્યા કરે છે. કેટલાકને ક્યાંક નાનીમોટી નોકરી મળી જાય છે. ત્યાં સુધીમાં પોતાના બાળકના ભણતર પાછળ લાખોનું ખર્ચ કરનાર વાલી ભાંગી પડ્યો હોય છે. બાળક ઉંમરલાયક થતાં વાલીએ તેના લગ્નની વ્યવસ્થા કરવી પડે છે. આમ વાલીને શિરે એક પછી એક આર્થિક બોજ ખડકાતા જ જાય છે. બેકારીથી હતાશ થઈને યુવકો કેટલીક વાર ચોરી, દાણચોરી કે જુગારના રવાડે ચડી જાય છે અને પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે. બિચારાં માબાપ લાચારીથી પોતાના કુળદીપકનું પતન થતું જોઈ રહે છે.

આજના મોટા ભાગના વાલી ખરેખર અસહાય અને લાચાર છે, તેમની વ્યથાને કોણ સમજી શકે ?

બળતાં પાણી’માં કવિશ્રી ઉમાશંકર જોશી કહે છે :

“અરે ! એ તે ક્યારે? ભસમ
– સહુ થૈ જાય પછીથી?”