એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati

એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati: દર વરસે દિવાળીની રજાઓમાં અમે સહકુટુંબ પ્રવાસે જઈએ છીએ. આ રીતે અમે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોના પ્રવાસો કર્યા છે. દરેક પ્રદેશમાં ઘણાં યાત્રાધામો હોય છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં ગૌરવશાળી યાત્રાધામ સોમનાથની મુલાકાત મને હંમેશાં યાદ રહેશે.

Holy Place Essay in Gujarati

એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati

આ વરસે અમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયાં હતાં. અમે જામનગર, દ્વારકા, બેટદ્વારકા, પોરબંદર, શારદાગ્રામ, ચોરવાડ વગેરેની મુલાકાત લઈ ચોથા દિવસે સોમનાથ પહોંચ્યાં.

ઘૂઘવાતા દરિયાકિનારે વિશાળ જગ્યામાં સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. તેના વિશાળ પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું ભવ્ય બાવલું છે. તેની ચોતરફ નાનકડો સુંદર બગીચો છે. તે પછી સોમનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. આઝાદી પછી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આજે ત્યાં અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. મંદિરની બહાર અને અંદરની કોતરણી ઊડીને આંખે વળગે તેવી છે.

અમે સાંજની આરતી વખતે મંદિરમાં ગયાં હતાં. ભવ્ય શિવલિંગ પર બીલીપત્ર તથા પુષ્પ ચઢાવેલાં હતાં. ભારતનાં બાર જ્યોતિર્લિંગમાંનું આ એક ભવ્ય જ્યોતિર્લિંગ છે. મંદિરના ગર્ભગૃહમાં અને બહાર અનેક દર્શનાર્થીઓની ભીડ જામી હતી. સમય થતાં આરતી શરૂ થઈ. અમે પણ આંખો બંધ કરીને આરતી ગાવા લાગ્યાં. ઝાલર અને ઘંટનાદથી સર્જાયેલું ભક્તિમય વાતાવરણ મનને શાંતિ આપતું હતું. આરતી પછી પણ અમે કેટલોક સમય મંદિરમાં બેઠા અને શાંતચિત્તે મહાદેવનું ધ્યાન ધર્યું. પછી અમે મંદિરની પ્રદક્ષિણા કરી. ત્યારબાદ અમે મંદિરની પાછળ આવેલા દરિયાકિનારાના ઘાટ પર બેઠા અને ઘુઘવાટા કરતા દરિયાની ભવ્યતાનાં દર્શન કર્યા.

બીજે દિવસે સવારે અમે સોમનાથનાં અન્ય તીર્થસ્થાનોનાં દર્શને ગયાં. ગીતામંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને સુંદર મૂર્તિઓ છે. તેની પાસેના ત્રિવેણીસંગમમાં અમે સ્નાન કર્યું.

સામાન્ય રીતે તીર્થસ્થાનોની આસપાસના વિસ્તારમાં ગીચતા, ગંદકી અને ભારે કોલાહલ જોવા મળે છે. પરંતુ સોમનાથ મંદિરમાં અમને સ્વચ્છતા અને સુંદર વ્યવસ્થાનાં દર્શન થયાં. વળી, કેટલાંક મંદિરોમાં દર્શન કે પૂજાપાઠ કરાવવા, પૂજાની સામગ્રીની ખરીદી કરાવવા દર્શનાર્થીઓ પર જોહુકમી થાય છે તેવો કડવો અનુભવ અહીં અમને ન થયો.

કુદરતી વાતાવરણનાં આવાં સુંદર તીર્થસ્થાનોથી તનને તાજગી અને મનને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે.


Share: 10

Hi, I am a B.A. student. On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read.