આદર્શ વિદ્યાર્થી વિશે પર નિબંધ Ideal Student Essay in Gujarati

આદર્શ વિદ્યાર્થી વિશે પર નિબંધ Ideal Student Essay in Gujarati: “સ વિદ્યા યા વિમુવત્તા’ (મુક્તિ અપાવે એ વિદ્યા.)

આદર્શ વિદ્યાર્થી વિશે પર નિબંધ Ideal Student Essay in Gujarati

આદર્શ વિદ્યાર્થી એટલે વિદ્યાનો સર્વાગી દષ્ટિએ ઉપાસના કરનાર જિજ્ઞાસુ. કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તલસ્પર્શી અભ્યાસ કરવાનો તેનામાં સ્વાભાવિક તલસાટ હોય, એ માટે એનામાં એકાગ્રતા અને સતર્કતા હોય !

‘આદર્શ વિદ્યાર્થી’ની કોઈ ચોક્કસ વ્યાખ્યા હોઈ ન શકે, છતાં જે વિદ્યાર્થીનું આચરણ ઉમદા અને અન્ય માટે અનુકરણીય હોય તેને આદર્શ વિદ્યાર્થી કહી શકાય.

આદર્શ વિદ્યાર્થી પોતાના વિષયોના અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો હોવો જોઈએ, એ જરીકે આળસુ ન હોય, પ્રમાદ એને પોષાય નહિ. અભ્યાસક્રમનો જે મુદ્દો અઘરો લાગે તેમાં તે પોતાના ગુરુજનો પાસેથી યોગ્ય માર્ગદર્શન અચૂક મેળવે. દરેક પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવવું એ જ તેનું ધ્યેય હોય.

આદર્શ વિદ્યાર્થી એના અભ્યાસક્રમ સિવાયનાં ઇતર પુસ્તકો પણ વાંચતો હોય. પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોના નિયમિત વાંચનથી તેના જ્ઞાનમાં વધારો થતો જાય. ઇતિહાસ-ભૂગોળ-ખગોળ-વિજ્ઞાન જેવા વિષયોનું તો એને જ્ઞાન હોય જ પણ મહાપુરુષોનાં જીવનચરિત્રોથીય તે પરિચિત હોય. આદર્શ જીવન જીવવાની કેળવણી મળે એવાં પુસ્તકો જોઈ એ રાજી રાજી થઈ જાય !

આદર્શ વિદ્યાર્થી આરોગ્યની બાબતમાં બેદરકાર હોય જ નહિ, સવારે વહેલા ઊઠીને તે વ્યાયામ કરતો હોય. એ રમતગમતમાં પણ પૂરો રસ લેતો હોય. રમતના મેદાન પર, એનો વ્યવહાર ખેલદિલી ભર્યો હોય, હારજીત એ તેને માટે ગૌણ બાબત હોય, વળી તે નાટક, વસ્તૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા, ચિત્રકલા અને સંગીત જેવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ રસ લેતો હોય. ઇતર પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાને રહેવું એ તેનું પ્રિય લક્ષ્ય હોય.

તે પોતાનો દૈનિક કાર્યક્રમ યોજનાપૂર્વક બનાવી, એને દઢતાપૂર્વક વળગી રહે. એ રોજ નિયમિત અભ્યાસ કરે. સ્વાવલંબી હોવાની સાથે તે સત્યવક્તા, પ્રામાણિક, ઓછાબોલો, નિરભિમાની અને મિલનસાર હોય. વિનય અને પ્રસન્નતા તેનાં આભૂષણ હોય. એના અક્ષરો સુવાચ્ય જ નહિ, સુંદર, મરોડદાર અને સુઘડ પણ હોય, તેને રોજનીશી લખવાની ટેવ હોય અને તેથી એ પોતાની ભૂલો જાણી શકે. એ ભૂલો ફરી ન થાય તેનું તે સદાય ધ્યાન રાખે. સત્યનિષ્ઠા તથા નીડરતાથી એ રોજનીશી લખતો હોય.

આદર્શ વિદ્યાર્થી કદી ખોટા ખર્ચા ન કરે કેમ કે તે કરકસરને બરાબર સમજતો હોય. રજાઓમાં તે નાનુંમોટું કામ કરી પોતાના ભણતરનો ખર્ચ કાઢી લેતો હોય. શ્રમનું કોઈ પણ કામ કરવામાં આદર્શ વિદ્યાર્થીને કદી નાનમ ન હોય. તેને સ્વચ્છતા અને સાદાઈ પ્રિય હોય. સાદું જીવન અને ઉચ્ચ વિચાર (Simple living and high thinking) એ જ તેનો મુદ્રાલેખ હોય. એ નિરક્ષર લોકોને અક્ષરજ્ઞાન આપે અને નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે. માણસમાત્રને મદદરૂપ થવા એ સદા તત્પર રહેતો હોય. એને સારાં સિનેમા-નાટક-ટીવી સીરિયલ જ ગમે. એ સામાજિક દૂષણો દૂર કરવાની દરેક પ્રવૃત્તિમાં રસ લેતો હોય.

આદર્શ વિદ્યાર્થી કેવળ વિદ્યાપ્રેમી જ ન હોય પરંતુ પૂરો દેશપ્રેમી પણ હોય. રાજકારણ અને ભાંગફોડની પ્રવૃત્તિઓથી એ સો ગજ દૂર રહેતો હોય. આદર્શ વિદ્યાર્થી આદર્શ માનવ તો હોવો જ જોઈએ ને? – એ વિના સમાજ અને દેશને તેના જ્ઞાનનો શો ખપ?

ટૂંકમાં, આદર્શ વિદ્યાર્થી એટલે નાનાંમોટાં સૌને માટે અનુકરણીય વિદ્યાર્થી. જેને માટે તેનાં માતાપિતા જ નહિ, શાળા, સમાજ અને દેશ પણ ગૌરવ લઈ શકે.