જો હું લશ્કરી વડો હોઉં તો પર નિબંધ If I were a Military Chief Essay in Gujarati

જો હું લશ્કરી વડો હોઉં તો પર નિબંધ If I were a Military Chief Essay in Gujarati OR Jo Hum Laskari Vado Hou To Gujarati Nibandh: “सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। देखना है जोर कितना बाजुए कातिल में है।“

દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ મહત્ત્વાકાંક્ષા હોય છે જ. મારી મહત્ત્વાકાંક્ષા દેશના લશ્કરી વડા બનીને સંરક્ષણ ક્ષેત્રે દેશની સેવા કરવાની છે.

જો હું લશ્કરી વડો હોઉં તો પર નિબંધ If I were a Military Chief Essay in Gujarati

આજે આપણા દેશની એકતા અને અખંડિતતા છિન્નભિન્ન કરવા માટે આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનાં પરિબળો ખડાં થયાં છે. આવાં પરિબળોને સખત હાથે ડામી દેવાની તાતી જરૂર છે. લશ્કર સિવાય આ કાર્ય બીજું કોઈ કરી શકે તેમ નથી. મારા પિતાજી હવાઈ દળમાં વિમાનચાલક છે, તેમની પાસેથી મેં તેમનાં સાહસોની ઘણી રોમાંચક વાતો સાંભળી છે એટલે મને પણ સાહસ, હિંમત અને બહાદુરી જેવા ગુણો કેળવવાની આકાંક્ષા જાગી છે. આજની આપણા દેશની પરિસ્થિતિ અને મારા પિતાજીની ઇચ્છાએ મને લશ્કરી વડા બનવાની પ્રેરણા આપી છે. ખરેખર, જો હું લશ્કરી વડો હોઉં તો …?

લશ્કરી વડાની કામગીરી કંઈ સરળ નથી હોતી. તેની જવાબદારી ઘણી મોટી અને કપરી હોય છે. લશ્કરી વડાનું જીવન પોતાની ફરજોને સમર્પિત થયેલું હોય છે. આપણા દેશની સલામતી ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ એમ લશ્કરની ત્રણેય પાંખોની કાર્યક્ષમતા પર અવલંબે છે. આ ત્રણેય દળો વચ્ચે સુસંગતતા હોય તો જ દેશ બાહ્ય આક્રમણોનો સામનો કરી શકે. હું ત્રણેય દળોના લશ્કરી વડાઓ વચ્ચે કાયમી ધોરણે સુસંગતતા સ્થાપવાની નીતિ અપનાવું. જેથી આપણી સરહદો પર સતત ચાંપતી નજર રાખી શકાય. દુશ્મન દળની સહેજ પણ હિલચાલ થતી જણાય, તો હું આપણા સૈન્યને તરત જ સાબદું કરી દઉં.

આપણા દેશની કાશમીર સરહદે બરફથી ઢંકાયેલા ઊંચાઊંચા પર્વતો આવેલા છે. અહીંના અગવડભર્યા વાતાવરણમાં દુશમન દળ સામે ઝીંક ઝીલવી તે અતિ કપરું કામ છે, એવો અનુભવ કારગીલ યુદ્ધ વખતે થયો હતો એટલે કાશ્મીરમાં કામગીરી બજાવતા સૈનિકોની સગવડો પૂરી પાડવા માટે હું શક્ય પ્રયાસ કરું. હું મારા સૈનિકોને ગમે તેવી કપરી સ્થિતિમાં પણ લડવા માટે તૈયાર કરું. આપણા દેશ પર બાહ્ય આક્રમણ થાય ત્યારે હું દેશના સંરક્ષણને જ અગ્રિમતા આપું. હું દુશ્મનોને જડબાતોડ જવાબ મળે તેવી વ્યુહરચના કરું.

હું લશ્કરને અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરું. હું મારા સૈનિકોનો જુસો ટકી રહે તેવા તમામ પ્રયાસો કરું. તેમની બહાદુરીને બિરદાવી હું તેમને પ્રોત્સાહન આપું. વળી, કોઈ સૈનિક લડતાં લડતાં શહીદ થઈ જાય તો તેની પૂરા સન્માન સાથે અંતિમવિધિ કરાવું. તેના કુટુંબીજનોને હું રૂબરૂ મળીને કે પત્ર દ્વારા આશ્વાસન આપું. સરકારની પાસેથી તેના કુટુંબીજનોને તત્કાળ આર્થિક સહાય અપાવું.

જરૂર પડશે દેશની આંતરિક સલામતી અને વ્યવસ્થા પણ લશ્કરે જાળવવાની હોય છે. એટલે દેશમાં આંતરિક અશાંતિ ઊભી થાય ત્યારે હું તેને સખત હાથે દબાવી દઉં. જ્યારે આપણા દેશ પર અતિવૃષ્ટિ, વાવાઝોડું કે ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ આવી પડે ત્યારે રાહત કામગીરી કરવા માટે પણ હું લશ્કરને તાત્કાલિક ત્યાં મોકલી આપું અને અસરગ્રસ્ત લોકોને સહાયભૂત થવા પ્રયત્ન કરું. ચૂંટણી વખતે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્વક થાય તે માટે પણ લશ્કરની જરૂર પડે છે. હું તે વખતે પણ જે-તે સ્થળે લશ્કરને મોકલી આપું.

લશ્કરના વડાએ અને સૈનિકોએ રાત-દિવસ દેશસેવા માટે તૈયાર રહેવું પડે છે. વળી, તેઓને દેશના કોઈ પણ ભાગમાં ગમે તે સમયે પહોંચી જવું પડે છે. ફરજપાલન કરતાં કરતાં તેમણે અનેક પ્રકારની હાડમારીઓ વેઠવી પડે છે, જીવ સટોસટના ખેલ ખેલવા પડે છે, શહીદી પણ વહોરવી પડે છે. આમ છતાં, તે ક્યારેય પીછેહઠ કરતા નથી.

હું લશ્કરી વડા તરીકે એવી સુંદર કામગીરી કરું કે તન, મન, ધનથી માતૃભૂમિની સેવા કર્યાનો મને સંતોષ થાય. જયહિંદ.