જો હું કવિ હોઉં તો પર નિબંધ If I were a Poet Essay in Gujarati

જો હું કવિ હોઉં તો પર નિબંધ If I were a Poet Essay in Gujarati OR Jo Hum Kavi Hou To Gujarati Nibandh: ‘જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ’, મેં આ પંક્તિ ક્યાંક વાંચી હતી. બસ ત્યારથી મને એક જ વિચાર આવ્યા કરે છે કે જો હું કવિ હોઉં તો ? જ્યાં રવિ એટલે કે સૂર્ય ન પહોંચી શકે ત્યાં પણ હું પહોંચી શકું ખરો? જોકે રવિ હોય કે કવિ, એ જાતે ક્યાંય જતા નથી. સૂર્યનાં કિરણો પૃથ્વીના ખૂણે-ખૂણે પહોંચે છે અને કવિની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાય છે.

જો હું કવિ હોઉં તો પર નિબંધ If I were a Poet Essay in Gujarati

પ્રાચીનકાળના વ્યાસ-વાલ્મીકિ, કાલિદાસ અને બાણ જેવા મહાકવિઓ અને તેમનાં કાવ્યોને આજે પણ લોકો યાદ કરે છે. મધ્યકાળના કવિ નરસિંહનાં પ્રભાતિયાં અને કવિ પ્રેમાનંદનાં આખ્યાનો ગુજરાતના ગામડેગામડે જાણીતાં છે. જ્યારે કવિ દલપતરામ, નર્મદ, કાંત, કલાપી, હાનાલાલ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર, સુન્દરમ્, ઉશનસ્, બાલમુકુંદ દવે, મનોજ ખંડેરિયા, આદિલ મન્સુરી, રમેશ પારેખ જેવા અર્વાચીન કવિઓની કવિતાના પણ અનેક ચાહકો છે.

પુસ્તકો અને સામયિકોમાં છપાયેલી કવિતાઓ જોઈને મને પણ કવિ થવાના કોડ જાગે છે. પોતાની કવિતા ક્યાંક છપાય ત્યારે કવિને કેવી લાગણી થતી હશે? એ કવિતા વાંચીને વાચક કેવી લાગણી અનુભવતો હશે? કવિને રૂબરૂ મળે ત્યારે લોકો કેવા રાજીરાજી થઈ જતા હશે ? કવિઓ વિશે વિચારો કરું ત્યારે મને થાય કે જો હું કવિ હોઉં તો? અને તરત મારી સામે કલ્પનાની દુનિયા ખડી થઈ જાય છે.

રાતોરાત હું જાણે કે રંકમાંથી રાજા બની જાઉં છું. જાણીતાં પુસ્તકો અને સામયિકોમાં મારી કવિતાઓ છપાય છે. મારી કવિતાઓ વાંચીને પ્રભાવિત થયેલા યુવાનો મારા ઑટોગ્રાફ લેવા માટે પડાપડી કરે છે. ઠેરઠેર મારા કાવ્યપાઠના કાર્યક્રમો યોજાય છે. હું કાવ્યપાઠ કરું ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની મને સાંભળ્યા કરે છે. કવિતાની પંક્તિએ પંક્તિએ ‘વાહ-વાહ’ના અવાજો અને તાલીઓના ગડગડાટ થયા કરે છે. કાર્યક્રમ પૂરો થયા પછી આયોજકો સન્માન અને પુરસ્કાર આપે છે. રોજ મોંઘી-મોંઘી કારોમાં બેસી હું ઘેર આવું ત્યારે પરિવારના સભ્યો અને પડોશીઓ પણ મને અહોભાવથી જુએ છે.

કવિ થવું એ ખરેખર તો નસીબને આધીન છે. કવિ થઈ શકાય તો આનંદ જરૂર થાય પણ કવિની કામગીરી સહેલી તો નથી જ. સારી કવિતા લખવા માટે ઘણી મહેનત કરવી પડે. ઉત્તમ કવિ બનવા માટે તો કોણ જાણે કેટલોય પરિશ્રમ કરવો પડે ! કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. કવિ થવા માટે હાલમાં તો હું માત્ર કલ્પના કરી શકું. પણ એ કલ્પના સાકાર થાય, ત્યાં સુધી તો મારે રાહ જોવી રહી.