સમયનું મૂલ્ય અને સમયનું મહત્વ વિશે પર નિબંધ Importance of Time Essay in Gujarati

સમયનું મૂલ્ય અને સમયનું મહત્વ વિશે પર નિબંધ Importance of Time Essay in Gujarati OR Samay Nu Mahatva Ane Samay Nu Mulya Guajrati Nibandh: સમય ખૂબ કિંમતી છે. ઘણા માણસો વાતવાતમાં કહેતા હોય છે : time is money. આપણું જીવન સીમિત છે, તેથી કોઈ પણ કામ માટેનો સમય પણ સીમિત છે, માટે આપણે દરેક કામ નિશ્ચિત સમયમર્યાદામાં પૂરું કરવું જોઈએ.

સમયનું મૂલ્ય અને સમયનું મહત્વ વિશે પર નિબંધ Importance of Time Essay in Gujarati

ઘણા લોકો આળસુ હોય છે. તેમને કામ કરવું ગમતું નથી. આથી તેઓ કોઈ ને કોઈ બહાને કામને ટાળતા રહે છે. જ્યારે કેટલાક લોકો ઉદ્યમી હોય છે, તેઓ કોઈ પણ કામ ચીવટપૂર્વક અને ઝડપથી કરે છે. તેમનો એક જ સિદ્ધાંત છે : ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ.

આપણું કામ તો આપણે જ કરવાનું છે. બીજું કોઈ એ કામ કરી આપવાનું નથી. તો સમય વ્યર્થ શા માટે ગુમાવવો? ગયેલો સમય કદી પાછો આવતો નથી માટે ચોક્કસ આયોજન કરીને સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ. દિવસના ચોવીસ કલાક હોય છે. તેમાંથી આઠથી દસ કલાક આરામ પાછળ ખર્ચાઈ જાય છે. ઘણો સમય ટીવી મોબાઇલ ફોન, ટોળ -ટામાં કે આમતેમ આંટાફેરા પાછળ વેડફાઈ જાય છે. કોઈ કામ ન કરીએ તોપણ આખો દિવસ પસાર તો થઈ જ જાય છે. સવારથી સાંજ થાય છે અને સાંજથી પાછી સવાર થાય છે. આમ સમય અવિરત વહેતો જ રહે છે. આમ ને આમ એક દિવસ જિંદગી પૂરી થઈ જાય છે. એક શાયર કહે છે કે,

સુબહ હોતી હૈ, શામ હોતી હૈ
જિંદગી યૂં હી તમામ હોતી હૈ.

જે માણસ સમયનું મૂલ્ય સમજતો નથી, સમયનું યોગ્ય આયોજન કરતો નથી, સમયસર કામ કરતો નથી, તેનું જીવન પણ જેમતેમ પસાર થઈ જાય છે. જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ ગયા પછી ઘણા લોકો પસ્તાવો કરે છે. ઘણા લોકો આખું જીવન વેડફી. નાખે છે અને અંતમાં પસ્તાય છે, પણ ગયેલો સમય કદી પણ પાછો આવતો નથી. એટલે બગડી ગયેલી બાજી સુધારવાની તક મળતી નથી. કોઈએ સાચું જ કહ્યું છે કે બોલાઈ ગયેલા શબ્દો, છૂટી ગયેલું બાણ અને વીતી ગયેલો સમય કદી પાછો ફરતો નથી, માટે આ ત્રણેયનો ઉપયોગ ખૂબ સાચવીને કરવો જોઈએ.

જે લોકો સમયનું યોગ્ય આયોજન કરે, તે જે ધારે તે કરી શકે અને ધારે તે સિદ્ધિ મેળવી શકે, જે લોકો મહાન થઈ ગયા તેમની પાસે પણ સમય મર્યાદિત હતો. તેમને પણ દિવસના 24 જ કલાક મળતા હતા. સમયનું યોગ્ય આયોજન કરીને તેઓ કેટલાં મોટાં કામો કરી શક્યા !

બત્રીસ વર્ષ જેટલા ટૂંકા જીવનમાં વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં નામના અપાવી, શંકરાચાર્યજીએ પણ અલ્પ આયુષ્યમાં દેશના ચાર ખૂણે ચાર મઠો સ્થાપ્યા.

આમ જે સમયનું મૂલ્ય સમજે, તેને સમય પોતે જ મૂલ્યવાન બનાવે છે. જે સમયને માન આપે છે, તેને સમય પણ માન આપે છે. જે સમયને સાચવે છે તેને સમય પણ સાચવે છે.