કન્યાવિદાય પર નિબંધ Kanyaviday Essay in Gujarati

કન્યાવિદાય પર નિબંધ Kanyaviday Essay in Gujarati or Kanyaviday Guajrati Nibandh: “કમાઉ દીકરો પરદેશ વહાલો અને ડાહી દીકરી સાસરે વહાલી.” જીવનમાં કેટલાક પ્રસંગો અનિવાર્ય હોય છે. કન્યાવિદાય એવો જ એક પ્રસંગ છે.

આજના યુગમાં દીકરાદીકરીનો ભેદ રહ્યો નથી. દીકરીના જન્મ વખતે પણ માબાપને એટલો જ આનંદ થાય છે. આમ છતાં, દરેક માબાપને હંમેશાં એ ચિંતા સતાવતી રહે છે કે દીકરીને સાસરું કેવું મળશે? અને તે માટે દહેજ કેટલું આપવું પડશે?

 

કન્યાવિદાય પર નિબંધ Kanyaviday Essay in Gujarati

માબાપ દીકરીને લાડકોડથી ઉછેરે છે. તેને ભણાવે છે. તેને ઘરકામ શીખવે છે. કેટલાંક માબાપ દીકરીને સીવરા, ભરતગૂંથણ, ગ્લાસ પેઇન્ટિંગ, બ્યુટિ ફેશન વગેરે હુન્નર પણ શીખવે છે. દીકરી સ્વનિર્ભર બને તે માટે માબાપ આ બધું કરે છે.

દીકરી ઉંમરલાયક થાય એટલે માબાપ તેના માટે સારો મુરતિયો શોધવાનું શરૂ કરી દે છે. પહેલાના સમયમાં ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એમ કહેવાતું. માબાપ છોકરા- છોકરીની પસંદગી કરતાં અને છોકરો-છોકરી તે સ્વીકારી લેતાં. છોકરા-છોકરીનો સંબંધ જ્ઞાતિમાં જ થતો. હવે સમય બદલાયો છે. છોકરા-છોંકરીને પૂછવામાં આવે છે. જ્ઞાતિનું બંધન હવે સંબંધ કરવામાં આડે આવતું નથી. ક્યાંક છોકરા-છોકરીના જન્માક્ષર મેળવાય છે. બંનેની મુલાકાત ગોઠવાય છે. બંનેનું શિક્ષણ જોવાય છે. દીકરીના બાપ તરફથી કેટલું દહેજ મળશે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે. જોકે હવે ઘણાં ખાનદાન કુટુંબો દહેજની અપેક્ષા રાખતાં નથી, તેની કોઈ ચર્ચા જ કરતાં નથી. છોકરા-છોકરીની પસંદગી પછી સારા મુહૂર્તમાં લગ્ન લેવાય છે.

બંને પક્ષે લગ્નની તડામાર તૈયારીઓ થાય છે. ઘરમાં રંગરોગાન થાય છે. કપડાં- દાગીના અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી થાય છે. ઘરમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ સર્જાય છે. સગાંસંબંધીઓ અને મિત્રો રાજી થાય છે અને કેટલાંક મદદે પણ આવે છે, કંકોતરી લખાય છે. શહેરોમાં પાટીપ્લૉટ કે હૉલનું બુકિંગ થાય છે. તેને ખૂબ સરસ રીતે શણગારવામાં આવે છે. લગ્નની આગલી રાતે ગરબા કે સંગીતસંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. દીકરીના લગ્નમાં માબાપ પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરે છે. લગ્નનો દિવસ આવે છે. વરરાજા ઘોડે ચડીને કે શણગારેલી મોટરમાં બેસીને વાજતેગાજતે કન્યાના માંડવે આવી પહોંચે છે. જાનૈયાઓ ઢોલ કે બૅન્ડના તાલે નાચ કૂદ કરે છે. સામૈયું થાય છે. સૌનું સ્વાગત થાય છે. સૌ જાતજાતની વાનગીઓનો સ્વાદ માણો છે. વિધિપૂર્વક લગ્ન થાય છે. વરકન્યાના સગાંસંબંધીઓ અને મિત્રો તેમને ભેટો અને આશીર્વાદ આપે છે.

કન્યાવિદાય વેળાએ બધું શાંત પડી જાય છે. સૌના મોં પર ગમગીની છવાઈ જાય છે. સગાંસંબંધીઓને ભેટીને દીકરી માબાપના ઘેરથી વિદાય લે છે. આ વખતનું દશ્ય અત્યંત કરુણ હોય છે. કોઈ કંઈ બોલતું નથી. સૌની આંખો આંસુઓથી છલકાઈ જાય છે. એમાંય માબાપ માટે કન્યાવિદાયનો પ્રસંગ અસહ્ય બની જાય છે. દીકરી જ્યારે બાપને ભેટે છે ત્યારે કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી. એક બાળકની જેમ તે ધ્રુસકેધ્રુસકે રડી પડે છે. આજે એને બરાબર સમજાય છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. લાડકોડથી ઉછેરેલી દીકરી આજે પિતાનું ઘર છોડી પતિના ઘેર જશે. દીકરીએ પારકાંને પોતાનાં કરવાં પડશે. દીકરીએ સાસરામાં જઈને બધાંને અનુકૂળ થઈને રહેવું પડશે. તેણે ઘણી બાંધછોડ કરવી પડશે.

સંસ્કારી અને કુળવાન દીકરી, પિયર અને સાસરાની એમ બે કુટુંબોની પ્રતિષ્ઠા વધારે છે.