શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati

શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati: શરીર અને મનના સ્વાથ્ય માટે, તેમજ અન્ય કાર્યોની સિદ્ધિ માટે શ્રમનો મહિમા સૌ કોઈ જાણે છે. જો કે આજે શ્રમનો મહિમા ઘટ્યો છે – ખાસ કરીને ધનિકો, ભદ્રજનો, શિક્ષિતો તેમજ ગૃહિણીઓમાં શ્રમ પ્રત્યે અણગમો વધતો જાય છે. આ સૂત્રને દૂર કરવા શાળા-મહાશાળાઓમાં જીવનશિક્ષણના એક ભાગરૂપે શ્રમશિબિરોનું આયોજન કરવામાં આવે છે.

શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati

આ વરસે દિવાળીની રજાઓમાં અમારી શાળા દ્વારા શ્રમશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળામાંથી 48 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો આ શ્રમશિબિરમાં જોડાયા હતા. અમે બસ દ્વારા નજીકના એક ગામમાં ગયા. એ ગામની નિશાળના વિશાળ ચોગાનમાં અમે બે તંબુ ઊિભા કર્યા. એક તંબુ વિદ્યાર્થીઓ માટે અને બીજો વિદ્યાર્થિનીઓ માટે. અમારે એક અઠવાડિયા સુધી આ તંબુમાં જ રહેવાનું હતું.

અમારા શિક્ષકે સાપ્તાહિક કાર્યક્રમની અમને સમજ આપી, અમારા માટે સવારથી સાંજ સુધીનો ભરચક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. અમે સવારે પાંચ વાગ્યે ઊઠી, સમૂહમાં બેસીને પ્રભાતિયાં ગાતાં હતાં. પછી બ્રશ કરીને સફાઈયજ્ઞમાં જોડાતાં. હાથમાં સાવરણા અને ટોપલા લઈને અમે ગામમાં જતાં, ગામની શેરીઓ અને રસ્તાઓની સફાઈ કરતાં. કચરો એકઠો કરીને ટોપલામાં ભરી લેતાં અને તેને ઉકરડાઓમાં નાખી આવતાં. એક કલાક સફાઈ કામ કર્યા પછી અમે નહાવાધોવાનું કામ આટોપી લેતાં. પછી અમારામાંથી કેટલાંક ભાઈબહેનો રસોઈ બનાવતાં અને કેટલાંક ગામનાં બાળકોને ભણાવતાં અને તેમની સાથે વાતો કરતાં. બપોરે ભોજન કરીને અમે આરામ કરતાં. રસોઈનાં વાસણો અમે અમારી જાતે જ સાફ કરતાં હતાં. સાંજે ત્રણથી છના સમય દરમિયાન અમે ગામથી બસસ્ટેન્ડ સુધીનો રસ્તો બનાવવાની કામગીરી કરતાં હતાં. એ ધૂળિયો રસ્તો ખોદી કાઢી તેમાં મોટા પથ્થર અને કપચીનું અમે પુરાણ કરતાં. એમાં અમારા શિક્ષકો અમને સતત માર્ગદર્શન આપતા હતા. અમારા કામમાં ગામલોકો પણ હોશે હોશે જોડાયા. આથી અમારો ઉત્સાહ ખૂબ વધી ગયો. થાકી જવા છતાં કામ કરવામાં અમને આનંદ મળતો.

રાત્રિભોજન પછી ત્યાંની શાળા માં અમે જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતાં. એમાં ગામલોકો મોટી સંખ્યામાં હાજરી આપતા. એક દિવસ અમે ગરબારાસ રજૂ કર્યા. એક દિવસ અમે ભજનનો કાર્યક્રમ રાખ્યો. પૂનમની અજવાળી રાતે અમે ગામનાં બાળકો સાથે જાતજાતની રમતો રમ્યાં. એક દિવસ ગામની બહેનો સાથે અમે લગ્નગીતોનો કાર્યક્રમ પણ રાખ્યો. આમ, અમારું એક અઠવાડિયું જોતજોતામાં પસાર થઈ ગયું. એ દરમિયાન ગામનો રસ્તો પણ તૈયાર થઈ ગયો. અમારા શ્રમશિબિરનું આ એક ઉમદા પરિણામ હતું.

અમારી શ્રમશિબિર દરમિયાન અમને કેટલાક વિશિષ્ટ અનુભવો થયા હતા. એક અઠવાડિયા સુધી અમે રેડિયો પરથી ગીતો સાંભળ્યાં નહિ અને ટીવીના કાર્યક્રમો જોયા નહિ. અમે છાપું પણ વાંચ્યું નહિ. અમે આ સાત દિવસ દરમિયાન ફક્ત ગામલોકોના સંપર્કમાં રહ્યાં, અમે તેમની રહેણીકરણી અને તેમના રીતરિવાજોની માહિતી મેળવી, સફાઈ અને શ્રમયજ્ઞ વડે અમે સ્વાશ્રય અને સ્વાવલંબનના પાઠો શીખ્યા. એક અઠવાડિયામાં અમે ગામની રોનક બદલી નાખી. અમારી સાત દિવસની જહેમતથી ગામ ચોખ્ખચણાક થઈ ગયું હતું. ‘જ્યાં રવચ્છતા ત્યાં પ્રભુતા’ એ પાઠ ગામલોકોને અમે શીખવ્યો, ગામલોકોએ હવેથી પોતાના ગામને ચોખ્ખું રાખવાનો સંકલ્પ કર્યો. સાત દિવસનો શ્રમશિબિર પૂરો થતાં અમે તો અમારે ઘેર પાછાં ફર્યા.

વિદ્યાર્થીઓને સ્વાવલંબન અને સ્વાશ્રયની તાલીમ આપવા માટે દરેક શાળાએ આવી શ્રમશિબિરો અવારનવાર યોજવી જોઈએ.