ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ પર નિબંધ Makar Sankranti Essay in Gujarati

ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ પર નિબંધ Makar Sankranti Essay in Gujarati OR Uttarayan Vishe Gujarati Nibandh: આપણે અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. આપણા એકધારા અને કંટાળાથી ભરેલા જીવનમાં તહેવારો આપણને આનંદ અને તાજગી બક્ષે છે. તહેવારોને લીધે આપણા પરસ્પરના સંબંધોમાં મીઠાશ આવે છેધાર્મિક તહેવારો આપણને ધર્મપરાયણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવે છે.

ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ પર નિબંધ Makar Sankranti Essay in Gujarati

મકરસંક્રાંતિ આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે (સંક્રમણ કરે છે). તેથી એને મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે.

દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શહેરોમાં પતંગ બનાવનારા અને દોરી રંગનારા કારીગરો રાતદિવસ પ્રવૃત્તિમાં લાગી જાય છે. પતંગરસિયાઓ તો ઉત્તરાયણના દિવસની રાહ જોયા વિના કેટલાક દિવસ અગાઉથી જ પતંગ ઉડાડવી લાગે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ મન મૂકીને પતંગદોરીની ખરીદી કરે છે. જાણે યુદ્ધની તૈયારી કરવાની હોય તેમ સૌ મોડી રાત સુધી પતંગોને કન્ના બાંધવામાં વ્યસ્ત હોય છે.

મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગયુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. પતંગ કપાતાં લોકો ‘કાટા …’ ‘કાટા ‘, ‘લપેટ .’ ‘લપેટ …’ એવી બૂમો પાડે છે. અગાસીઓ અને ધાબાં પર માનવમહેરામણ ઊભરાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગરસિયાઓ દિવસભર પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ લૂંટે છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાંક છોકરાં પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે અને ઈજા પામે છે. કેટલાક લોકો રસ્તા પર પતંગ પકડવા માટે ઊંધું ઘાલીને દોડતાં વાહનો સાથે અથડાય છે. ક્યારેક જાનહાનિ પણ થાય છે. વળી, કોઈ વાર માંજો પાયેલી દોરી વડે વાહનચાલકના ગળામાં ઊંડો ઘસરકો થઈ જતાં, વાહનચાલકે ઇસ્પિતાલની મુલાકાત લેવી પડે છે.

ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા મૂકીને ગુપ્તદાન કરે છે. આ રિવાજ ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલસાંકળી ખાય છે. કેટલેક ઠેકાણે ઊંધિયા-જલેબીની ઉજાણી રાખવામાં આવે છે.

કેટલાક લોકો રાતે ટુક્કલ ચગાવે છે. અંધારી રાતે ટમટમતા તારલાઓ વચ્ચે ટુક્કલના દીવડાઓનો પ્રકાશ રાત્રિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

આજકાલ મોટાં શહેરોમાં પતંગ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે. દેશવિદેશના પતંગરસિયાઓ તેમાં ભાગ લે છે. વળી, અહીં પતંગોની વિવિધતા પણ જોવા મળે છે. મોટા અને વિવિધ રંગરૂપઆકારના પતંગો આકાશમાં ચગતા જોઈને આપણું મન લલકારી ઊઠે છે :

“ઊંડેઊડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ.”
આમ, મકરસંક્રાંતિ સૌને નિર્ભેળ આનંદ આપનારો તહેવાર છે.