શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati

શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati: વ્યક્તિના જીવનઘડતરમાં તેની માતા અને શાળાનું વાતાવરણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મા જન્મ આપી જીવન આપે છે, સાથેસાથે જીવતાં શીખવે છે. માનું કામ શાળામાં શિક્ષકો દ્વારા થાય છે. સંસ્કાર તેમજ જીવનમાં વિવેકનું મૂલ્ય શું છે, તે શાળામાં પ્રાપ્ત થાય છે.

શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati

શાળાજીવનનાં મારાં સંસ્મરણો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. બાલમંદિરની બહેનો અમને વહાલથી એકડો ઘૂંટાવતી, ગીતો ગવડાવતી, હંચકા અને લપસણી પર રમવા લઈ જતી અને અમને મજાની વાર્તાઓ કહેતી. તેઓ અમારી સાથે રમતી, ગાતી અને મા જેવું વહાલ કરતી. હું બાલમંદિરની મારી બહેનપણીઓને કેવી રીતે ભૂલી શકું? અમે એકબીજાની સાથે રમતાં અને સાથે બેસીને નાસ્તો કરતાં. ક્યારેક અમે કિટ્ટા પણ કરી બેસતાં પણ થોડા સમય પછી પાછી બુચ્ચા થઈ જતી. અમે પ્રવાસે જતાં ત્યારે અમને ખૂબ મજા પડતી. બાલમંદિરના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં મીરાંબાઈનું પાત્ર ભજવ્યું હતું. એમાં સફળતા મળ્યા પછી મારા શિક્ષકોએ મને શાબાશી આપેલી. ત્યારપછી ઘરે જઈને હું બધાંને એ જ વાતો કર્યા કરતી. પ્રાથમિક શાળામાં હું દર વર્ષે વર્ગમાં પહેલા નંબરે આવવા લાગી. એટલે શાળા તરફથી મને જાતજાતનાં વાર્તાના પુસ્તકોનો સેટ ભેટ મળતો.

પ્રાથમિક શાળામાં અભ્યાસની સાથેસાથે અનેક ઇતરપ્રવૃત્તિઓ કરાવવામાં આવતી. હું ગાયન અને અભિનયકલામાં ભાગ લેતી. ગીતસ્પર્ધામાં મને હંમેશાં ઇનામ મળતું. હું ચોથા ધોરણમાં આવી ત્યારે મારા વર્ગશિક્ષકે મને મૉનિટર બનાવી હતી. પાંચમા ધોરણમાં અમારા વર્ગનાં ગરબા, ભાંગડા કે રાસ તૈયાર કરાવવાની જવાબદારી પણ મને સોંપાયેલી. જોકે, શિક્ષક થોડી મદદ કરતા. દર વર્ષે શાળામાં વાર્ષિકોત્સવ તો હોય જ. તેમાં અમારા વર્ગને ગરબા, રાસ કે ભાંગડાની શ્રેષ્ઠ રજૂઆત બદલ ઇનામ મળતું. હું સાતમા ધોરણમાં આવી ત્યારે શાળાના વિદ્યાર્થીઓ કચ્છ-ભુજના પ્રવાસે ગયા હતા. તે વખતે ફૂંકાયેલા ભયંકર વાવાઝોડાને લીધે અમે એક ગામડામાં સાઈ પડચાં હતાં. ત્યાં અમને ઘણી તક્લીફો પડી હતી. છતાં, અમે અમારો પ્રવાસ પૂરો કરીને હેમખેમ પાછા આવ્યાં હતાં.

શાળાજીવનનું મારું આ છેલ્લું વર્ષ છે. અમને ભણાવનાર, તથા અમારામાં સંસ્કારનું સિંચન કરનાર શિક્ષકોને હું કદી ભૂલી શકીશ નહીં. અમારી શાળાના આચાર્યનો સૌમ્ય ચહેરો, તેમનો પ્રેમ, વાણીની મીઠાશ, શિસ્ત અને તેમની નિયમિતતા અમારા સૌ માટે પ્રેરણારૂપ છે. તે અમને અંગ્રેજી ખૂબ સરસ રીતે શીખવતા, શિસ્તના આગ્રહી અમારા વ્યાયામ શિક્ષક, કોકિલ કંઠે ગીતો ગાતાં અમારાં સંગીતશિક્ષિકા, અમને સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરાવતાં કોકિલાબહેન અને અમને ગુજરાતી શીખવતાં સોનલબહેન વગેરેએ જહેમતપૂર્વક અમારામાં સારા સંસ્કાર સિચ્યા છે. અમારી શાળામાં વનમહોત્સવ, રક્ષાબંધન, નવરાત્રિ, પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી વગેરે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. શાળાનું ભવ્ય મકાન, સુંદર બગીચો અને વિશાળ મેદાન બધું મારી આંખ સામે તરવરે છે.

શાળાજીવનનો મારો છેલ્લો પ્રસંગ એટલે વિદાય સમારંભ. એમાં અમે સૌએ અશ્રુભીની આંખે અમારા શિક્ષકોની વિદાય લીધી હતી. અમે સૌ વાચાળ હોવા છતાં વિદાયસમારંભ વખતે અમે કશું જ બોલી શક્યાં નહોતાં. છતાં અમારા મૌને જ અમારા મનના ભાવોને વાચા આપી હતી. એ પ્રસંગ તો મારાથી ક્યારેય ભૂલી શકાય તેમ નથી. કોઈકે યોગ્ય જ કહ્યું છે, uળા, તો છે અમારી વહાલુડી માવડી, તેનાં અમે સૌ બાલુડાં હો જી.”