મારો પ્રિય તહેવાર નવરાત્રિ પર નિબંધ My Favourite Festival Navratri Essay in Gujarati

મારો પ્રિય તહેવાર નવરાત્રિ પર નિબંધ My Favourite Festival Navratri Essay in Gujarati: સંસ્કૃતમાં કહ્યું છે : ઉત્સવ રઘુનું પ્રિયા માનવી ‘– પ્રજા. ખરેખર ઉત્સવપ્રિય હોય છે. દરેક દેશની પ્રજાને પોતાની આગવા તહેવારો હોય છે. ખાસ તો આ ઉક્તિ ભારતીય જનોની ઉત્સવપ્રિયતા સંદર્ભે જ છે. એકધારો જીવનથી આપણે કંટાળીએ નહિ તે માટે તહેવારોનું આયોજન કરવામાં આવેલું છે.

મારો પ્રિય તહેવાર નવરાત્રિ પર નિબંધ My Favourite Festival Navratri Essay in Gujarati

આપણે વર્ષ દરમિયાન જન્માષ્ટમી, ગણેશચતુર્થી, પર્યુષણ, સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન, નવરાત્રિ, દશેરા, દિવાળી, ઉત્તરાયણ, શિવરાત્રિ, રામનવમી, નાતાલ, હોળી, ઈદ વગેરે તહેવારો ઉજવીએ છીએ. આટલા બધા તહેવારો દુનિયાના બીજા કોઈ દેશમાં ઉજવાતા જોવા નહિ મળે. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પોષે છે. સામાજિક તહેવારો આપણા અરસપરસના સંબંધોમાં મીઠાશ લાવે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને વિકસાવે છે. મને ધાર્મિક તહેવારો ગમે છે, અને એમાંય નવરાત્રિ એ મારો પ્રિય તહેવાર છે.

નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવાય છે. આ તહેવારની ઉજવણી પાછળ એક ધાર્મિક માન્યતા રહેલી છે. દેવોને રંજાડનારા મહિષાસુરને મારવા અંબામાતાએ તેની સાથે નવનવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે માતાજીને હાથે મહિષાસુરનો વધ થયો. તેની ખુશીમાં નવરાત્રિ ઊજવાય છે. મહિષાસુરના વિનાશમાં માનવીની અંદર રહેલા પરિપુ(છ શત્રુ)ઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો નાશ કરવાનો ગૂઢાર્થ પણ રહેલો છે. નવરાત્રિ વિશે બીજી પણ એક માન્યતા પ્રચલિત છે : ત્રેતાયુગમાં ભગવાન રામે રાક્ષસરાજ રાવણ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો હતો. તેની યાદમાં નવરાત્રિનો તહેવાર ઊજવવામાં આવે છે.

આસુરી (અસત્ય) તત્ત્વો સામે દેવી. (સત્ય) તત્ત્વોનો વિજય થયો. આથી લોકો નવા દિવસ સુધી શક્તિની આરાધના કરે છે. કેટલાક લોકો નવેનવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. આઠમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે. લોકો નોમને દિવસે હવન પણ કરે છે. નવનવ દિવસ સુધી અનેરું ધાર્મિક વાતાવરણ સર્જાય છે.

નવરાત્રિમાં ઠેરઠેર મંડપો બાંધવામાં આવે છે. આ મંડપોમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેમાં દીવો અને ધૂપ કરવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીની આરતી કરવામાં આવે છે. આરતીને અંતે પ્રસાદ વહેંચાય છે. માતાજીના ગરબા ગવાય છે. ગામડાઓમાં અને શહેરની પોળોમાં ઠેરઠેર પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે.

જોકે શહેરોમાં નવરાત્રિના તહેવારમાં વેપારી વૃત્તિ પેસી ગઈ છે. ઠેકઠેકાણી સંગીતમંડળીઓને બોલાવવામાં આવે છે. ગાયક કલાકારો મધુર કંઠે ગરબા અને રાસ જ નહિ, ફિલ્મી ગીતો પણ ગાય છે. એમના સહાયકો વાજિંત્રોના સૂર અને તાલની રમઝટ જમાવે છે. યુવાનો, યુવતીઓ અને બાળકો સુંદર વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે. રોશનીની ઝાકમઝોળ અને યુવાનોની દાંડિયારાસની રમઝટ જોવા લોકોના ટોળેટોળાં ઉમટે છે. મોડી રાત સુધી દાંડિયારાસની રમઝટ જામે છે. ગરબાના રસિયાઓમાં અભૂતપૂર્વ હર્ષોલ્લાસ જોવા મળે છે. ગુજરાતના ગરબા દેશ અને દુનિયામાં ખૂબ જાણીતા છે.

મને પણ ગરબે ઘૂમવાનો અને દાંડિયારાસનો ખૂબ શોખ છે. ભારતીય તહેવારોમાં વિશિષ્ટ મહત્તા ધરાવતો ‘નવરાત્રિ’ મારો અતિ પ્રિય તહેવાર છે. હું મારી બહેનપણીઓ સાથે ગરબા હરીફાઈમાં પણ ભાગ લઉં છું. આવી ઘણી સ્પર્ધાઓમાં મને ઇનામ પણે મળ્યાં છે. મને ઘણી વાર એવો વિચાર આવે છે કે નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું !