મારા પ્રિય સર્જક ઝવેરચંદ મેઘાણી પર નિબંધ My Favourite Writer Jhaverchand Meghani Essay in Gujarati

મારા પ્રિય સર્જક ઝવેરચંદ મેઘાણી પર નિબંધ My Favourite Writer Jhaverchand Meghani Essay in Gujarati: ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. તેમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, મનુભાઈ પંચોળી, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, ઉમાશંકર જોશી, સુન્દરમ્ જેવા અનેક સર્જકો અને સાહિત્યકારો થઈ ગયા છે. તેમણે ગદ્ય ? પઘક્ષેત્રે અતિ સમૃદ્ધ ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે.

મારા પ્રિય સર્જક ઝવેરચંદ મેઘાણી પર નિબંધ My Favourite Writer Jhaverchand Meghani Essay in Gujarati

મારા પ્રિય સર્જક ઝવેરચંદ મેઘાણી છે. તેમણે સોરઠની ધરતી ખૂંદી વળીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું સંપાદન કર્યું છે.

ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. 1897માં થયો હતો. તેમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવીને ગુજરાતને
ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતાં તેમનાં કાવ્યોનો સંગ્રહ એટલે ‘યુગવંદના’. તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા. મુંબઈના રસ્તાઓ ઉપર એમને કાવ્ય ગાતા સાંભળવા પુષ્કળ માનવમેદની એકઠી થતી. એમને લીધે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું હતું.

જેમ પન્નાલાલ પટેલે ઈશાનિયા પ્રદેશની તળપદી બોલીમાં મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’ જેવી યશસ્વી નવલકથાઓ લખી છે; તેમ ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ભાષામાં સોરઠ તારાં વહેતાં પાણી’, ‘વેવિશાળ’ અને ‘તુલસીક્યારો’ જેવી નવલકથાઓ આપી છે. આ નવલકથાઓમાં આપણને સોરઠની તળપદી બોલીની મીઠાશ માણવા મળે છે. તેમણે
ટૂંકી વાર્તા, નાટક અને ચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં પણ નોંધપાત્ર ખેડાણ કર્યું છે. તેમણે ગુજરાતના મૂક સેવક પૂ. શ્રી રવિશંકર મહારાજના અનુભવોને એમના મુખેથી સાંભળીને
તેને માણસાઈના દીવા’ નામના પુસ્તકમાં કલાત્મક રીતે રજૂ કર્યા છે.

ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન-સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડેગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદાજુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે. સોરઠી સ્ત્રી-પુરુષોમાં રહેલી મર્દાનગી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’, આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને
ત્યાંની બળકટ લોકભાષાનો પરિચય થાય છે. મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે. તેમણે સોરઠના લોકસાહિત્યને સંપાદિત કરીને, વિવિધ સાહિત્યસ્વરૂપો રૂપે આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે. એ સાહિત્ય દ્વારા આપણને બહાદુરી, હિંમત, સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.

ઈ. સ. 1947માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું પણ તેઓ પોતાના અમર સાહિત્યને લીધે સદાય યાદગાર રહેશે. ગુજરાતની કદરદાન જનતા તેમને કદી ભૂલી શકશે નહિ.