મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati

મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati: મારા જીવનમાં હું નાનીમોટી અનેક વ્યક્તિઓના પરિચયમાં આવ્યો છું. એમાંથી કેટલીક વ્યક્તિઓના જીવનની મારા પર ઊંડી અસર પડી છે. મારા જીવનઘડતરમાં મારી બા, મારા શિક્ષક રમણભાઈ, મારો મિત્ર વિનોદ તથા પરોક્ષ રીતે ગાંધીજીનો પણ ફાળો રહેલો છે.

My Idol Essay in Gujarati

મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati

મારી બા બહુ ભણેલી નથી પણ ગણેલી બહુ છે. મારામાં કેળવાયેલી સારી ટેવો તેને જ આભારી છે. તે દરરોજ સવારે વહેલી ઊઠે છે, ઘર તથા આંગણું સ્વચ્છ કરે છે અને દરેક કામ ખૂબ ચોકસાઈથી કરે છે. પિતાજીની મર્યાદિત આવકમાં પણ તે કરકસરપૂર્વક ઘર ચલાવે છે. બિનજરૂરી ખર્ચ ક્યારેય કરતી નથી. દેખાદેખીથી અંજાઈને કોઈ જ પગલું ભરતી નથી. મારામાં રહેલા સ્વચ્છતા, નિયમિતતા, ચોકસાઈ, કરકસર વગેરે ગુણો મારી બાની પ્રેરણાને જ આભારી છે.

મારા જીવનઘડતરમાં મારા શિક્ષક રમણભાઈનો પણ મોટો ફાળો છે. ભણાવવાનો તેમનો અદમ્ય ઉત્સાહ, શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠા તેમજ તેમના નિખાલસ વ્યક્તિત્વનો મારા પર ઊંડો પ્રભાવ પડ્યો છે. ઘંટ વાગતાંની સાથે તે અમારા વર્ગમાં આવી પહોંચતા અને તરત જ શિક્ષણકાર્ય શરૂ કરી દેતા. વર્ગના નબળામાં નબળા વિદ્યાર્થીનું પણ તેઓ ધ્યાન રાખતા. અમને સમજ ન પડે તો તેઓ અકળાયા વિના ફરીથી તે પાઠ સમજાવતા. ઘણી વાર તેઓ અમને વ્યકિતગત માર્ગદર્શન પણ આપતા. કોઈ પણ જાતના સ્વાર્થ વિના જ તેઓ આવી આદર્શ કામગીરી બજાવતા. તેમણે ક્યારેય પૈસા લઈને ટયૂશન કર્યા નથી. જો કે, તેઓ કડક સ્વભાવના હતી. જો અમે લેસન કરીને ન જઈએ તો તેઓ ચલાવી લેતા નહિ. તેઓ પુષ્કળ કામ કરતા અને અમારી પાસેથી પણ એવી જ મહેનત કરાવતા હતા. એટલે જ તો એમના વિદ્યાર્થીઓ હંમેશાં સારું પરિણામ લાવતી હતી. મારામાં રહેલી કાર્યનિષ્ઠા તેમને જ આભારી છે.

મારા મિત્ર વિનોદે પણ મારા જીવનઘડતરમાં ખાસ્સો ભાગ ભજવ્યો છે. એ મારાથી બે ધોરણ આગળ હતો, પરંતુ અમારા બંનેનો સંબંધ કૃષ્ણ-સુદામા જેવો રહ્યો છે. તે પૈસેટકે સુખી હતો. જ્યારે મારી આર્થિક સ્થિતિ નબળી હતી. છતાં, અમારી વચ્ચેની ગાઢ મૈત્રી ટકી રહી છે. વિનોદને તેની સંપત્તિનું જરાય અભિમાન નહોતું. તે બધાં સાથે સહેલાઈથી આજેય ભળી જાય છે, તે ક્યાંય તેની મોટાઈ બતાવતો નથી. ઈશ્વરે આપેલી સંપત્તિનો તે સત્કાર્યમાં ઉપયોગ કરે છે. તે જરૂરિયાતવાળાં કુટુંબોને તથા અપંગોને ઉદારતાથી આર્થિક સહાય કરે છે. પરંતુ તેની જરાય જાહેરાત ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે. તે કહે છે કે, “હું જે કંઈ કરું છું તે મારા માતા-પિતાના આદર્શો પ્રમાણે જ છે.” મારામાં આવેલી સાદાઈ, નમ્રતા, બીજાને સહાયરૂપ થવાની વૃત્તિ, નિરભિમાનપણું વગેરે ગુણો મારા મિત્ર વિનોદની જ ભેટ છે.

મારા જીવનઘડતરમાં પરોક્ષ રીતે પૂજ્ય ગાંધીજીનો પણ પ્રભાવ પડ્યો છે. તેમના સત્ય, અહિંસા અને સાદાઈના ગુણોને મેં મારા જીવનમાં નિષ્ઠાપૂર્વક આચરવાનો પ્રયત્ન કયોં છે.

જો આપણે આપણાં આંખ અને કાન ખુલ્લા રાખીએ, તો અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓની છાપ આપણા જીવન પર પડ્યા વિના રહે નહિ. बहुरत्ना वसुंधरा અર્થાત્ પૃથ્વી અનેક (માનવ) રત્નોથી ભરેલી છે.


Share: 10

Hi, I am a B.A. student. On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read.