રાષ્ટ્રીય એકતા પર નિબંધ National Integration Essay in Gujarati

રાષ્ટ્રીય એકતા પર નિબંધ National Integration Essay in Gujarati or Rastriya Ekta Guajrati Nibandh: હર એક હિંદી હિંદ છે, હર એક હિંદી હિંદની છે જિંદગી.” – ઉમાશંકર જોશી

કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પર રહેલો છે. વિવિધતાથી ભરપૂર એવા આપણા વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય છે.

રાષ્ટ્રીય એકતા પર નિબંધ National Integration Essay in Gujarati

આપણા દેશમાં વિવિધ ધર્મ, કોમ અને જાતિના લોકો રહે છે. તેઓની ભાષા, આહાર, રીતરિવાજો વગેરેમાં અપાર ભિન્નતા રહેલી છે. છતાં, આપણા દેશની એકતા. અને અખંડિતતાને ક્યારેય આંચ આવી નથી. ભારતીય સંસ્કૃતિનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. ‘ભારત મારો દેશ છે અને આપણે સૌ ભારતીયો છીએ’ એવી ભાવના દરેક ભારતવાસીના હૃદયમાં રહેલી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ આપણા દેશની એક્તા અને અખંડિતતાને નુકસાન કરનારાં પરિબળો માથું ઊંચકી રહ્યાં છે. દેશમાં અવારનવાર ધર્મ કે સંપ્રદાયના નામે તોફાનો ફાટી નીકળે છે. રાજ્યની સીમાના પ્રશ્ન વિખવાદો ઊભા થાય છે. નદીઓના પાણીની વહેંચણીની બાબતે કે કુદરતી સંપત્તિના વપરાશની બાબતે વિવાદો થયા કરે છે. આવા પ્રસંગોએ પ્રાદેશિક અને રાજકીય પક્ષો પણ પોતાનો રોટલો શેકી લેવા માટે લોકોને ભડકાવવાનું કામ કરે છે. અસામાજિક તત્ત્વો અને વિદેશી રાષ્ટ્રો પણ ઘણી વાર તોફાનો કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને માટે ખતરો પેદા થાય છે.

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખરી કસોટી અન્ય દેશના આક્રમણ સમયે થાય છે. ભારત પર ચીન અને પાકિસ્તાનનાં આક્રમણો થયાં ત્યારે આપણા દેશની જનતાની ખરી કસોટી થઈ હતી. એ વખતે આપણા દેશનો એકેએક નાગરિક દેશની પડખે ઊભો રહ્યો હતો. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રભાવનાનું પ્રચંડ મોજું આવ્યું હતું. સૌએ પોતાના આંતરિક મતભેદો ભૂલી જઈને અમે ભારતીયો એક છીએ.’ એવી ભાવનાનો પરચો બતાવ્યો હતો. પરંતુ શાંતિના કાળમાં એકતા અને અખંડિતતાની ભાવના કોણ જાણે ક્યાંય લુપ્ત થઈ જાય છે. આવા સમયમાં વ્યક્તિગત સ્વાર્થ આગળ તરી આવે છે.

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા કાયમ જળવાઈ રહે તે માટે આપણે સક્રિય પ્રયત્નો કરવા પડશે. ધર્મ કે કોમના નામે પ્રજાને ભડકાવનારાં તત્ત્વોને ખુલ્લાં પાડવાં પડશે. આપણે આવાં તત્ત્વોનો સામાજિક બહિષ્કાર કરવો પડશે. જનતામાં એવી સમજ દઢ હોવી જોઈએ કે રાજ્યો અને જિલ્લાઓની રચના વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પરંતુ અખંડ ભારતની સંપત્તિ કોઈ એક રાજ્ય કે જિલ્લાની નથી. તે સમગ્ર દેશની છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો, મેળાઓ, રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વગેરે કાર્યક્રમો દ્વારા આપણે જનતામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના વિકસાવી શકીએ, તેમજ દૃઢ કરી શકીએ છીએ. રાજકીય નેતાઓએ અંગત સ્વાર્થ સાધવા દેશની એકતાને નુકસાન થાય તેવો પ્રચાર કરવો જોઈએ નહિ. ધાર્મિક વડાઓએ પણ રાષ્ટ્રધર્મનું જ જતન કરવું જોઈએ. રેડિયો, ટીવી, વર્તમાનપત્રો વગેરે પ્રચારમાધ્યમો પણ દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવી શકે. આપણા દેશ પર પરદેશી આક્રમણનો સતત ભય રહે છે.

આપણા દેશમાં આતંકવાદીઓ માઝા મૂકી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં ભારતના સાર્વભૌમત્વ માટે આપણી રાષ્ટ્રીય એકતાને સુદઢ કરવી અનિવાર્ય છે. તે માટે સૌએ સહિયારો પ્રયત્ન કરવો પડશે.