રાષ્ટ્રીય ઉદ્યાન ની મુલાકાત પર નિબંધ National Park Essay in Gujarati

રાષ્ટ્રીય ઉદ્યાન ની મુલાકાત પર નિબંધ National Park Essay in Gujarati: દેશના ઔદ્યોગિક વિકાસની સાથેસાથે કુદરતી સંપત્તિનો આડેધડ નાશ થવા લાગ્યો, પરિણામે આપણા પર્યાવરણનું સંતુલન નષ્ટ થવા લાગ્યું. જંગલોના નાશની સાથે પ્રાણીઓનું જીવન પણ ભયમાં મુકાયું. સરકારે વન્ય પશુપંખીઓની રક્ષા કરવા માટે દેશમાં અનેક રાષ્ટ્રીય ઉદ્યાનો વિકસાવ્યા છે.

રાષ્ટ્રીય ઉદ્યાન ની મુલાકાત પર નિબંધ National Park Essay in Gujarati

રાષ્ટ્રીય ઉદ્યાનને અભયારણ્ય’ પણ કહે છે. અભયારણ્ય એટલે એવું અરણ્ય (જંગલ) જેમાં કોઈ ભય ન હોય. અહીં જંગલનાં પ્રાણીઓ અને પક્ષીઓ નિર્ભય બનીને મુક્તજીવન જીવી શકે. તેઓને જંગલો, સરોવરો, ટેકરીઓ, વનસ્પતિ વગેરેનું કુદરતી વાતાવરણ અહીં મળી રહે છે. અહીં શિકાર કરવાની સખત મનાઈ હોય છે. પ્રાણીઓના રક્ષણની અહીં પુરતી તકેદારી રાખવામાં આવે છે.

દિવાળીની રજાઓમાં અમે એક રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે ગયા હતા. મારા પિતાજીના મિત્ર અહીં નોકરી કરે છે. તેઓ અમને એક મોટરમાં બેસાડી ઉધાનની સફરે લઈ ગયા. અહીંની દુનિયા તદ્દન નિરાળી હતી. નાનીનાની ટેકરીઓ, ઊંચાંઊંચાં ઘટાદાર વૃક્ષો, લીલાછમ ઘાસથી છવાયેલી ભૂમિ, ખળખળ વહેતાં ઝરણાં, ઠેરઠેર નાનાનાનાં તળાવો વગેરેનું સૌદર્ય તનમનને પ્રફુલ્લિત કરતું હતું. મને તો કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિ યાદ આવી :

“સૌદર્યો પી ઉરઝરણ પછી ગાશે આપમેળે.”

અર્હ અમે જુદાજુદા પ્રકારનાં અનેક પક્ષીઓ જોયાં. મારા પિતાજીના મિત્રે અમને ઘણાં પક્ષીઓની ઓળખ આપી, ચકલી, પોપટ, કબૂતર, મોર, કાગડા, કોયલ, શાહમૃગ ઉપરાંત બતક, હંસ, જળકૂકડી વગેરે જળચર પક્ષીઓ કેવાં મુક્ત રીતે હરતાં-ફરતાં-તરતાં અને ગાતાં હતાં !

અહીં અમને સસલાં જેવાં બીકણ પ્રાણીઓનાં ઝુંડ જોવા મળ્યાં તો હરણાં નિરાંતે ચરતાં કે આમતેમ ભાગતાં દેખાયાં. અહીં અમને વાઘ, ચિત્તા, વરુ, શિયાળ વગેરે જંગલી પ્રાણીઓ પણ જોવા મળ્યાં, આટલાં બધાં પ્રાણીઓ અહીં મુક્ત અને નિર્ભયપણે રહેતાં હતાં. હાથીનાં તો ટોળેટોળાં જોવા મળ્યાં , એક તળાવની પાસે ઊભેલો એક હાથી સૂંઢ વડે પોતાના શરીર પર પાણી છાંટતો હતો. એટલામાં અમને દૂર પસાર થતો એક વાઘ દેખાયો. અમે દૂરથી વાઘનો ફોટો પાડ્યો. ચિત્તા અને વરુ અમારી પાસેથી પસાર થતાં ઘડીભર ભયથી મારા શ્વાસ અટકી ગયા. શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું પણ પછી કશોક રોમાંચ પણ અનુભવાયો. અહીં પ્રાણીઓને મુક્ત રીતે વિહરતાં જોવાનો લહાવો ખરેખર અણમોલ હતો. વાઘની ગર્જના સાંભળીને કેટલાંક પ્રાણીઓની દોડધામ વધી જતી હતી.

મારા પિતાજીના મિત્ર અમને અહીંની સમગ્ર વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી. અમે પણ તેમને કેટલાક પ્રશ્નો પૂછી માહિતી મેળવી. અહીં કેટલાક પક્ષીપ્રેમીઓ અને પ્રાણીપ્રેમીઓ આવે છે અને પક્ષીઓ તેમજ પ્રાણીઓનું અવલોકન કરી રસપ્રદ માહિતી એકઠી કરે છે. અહીંના નૈસર્ગિક વાતાવરણમાં આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓને જોવાં એ ખરેખર રોમાંચક પ્રસંગ હતો. અહીનું વાતાવરણ અને વ્યવસ્થા જોઈ મને ખૂબ આનંદ થયો.

અમે પાંચ કલાક ઉદ્યાનમાં ફર્યા પછી વિદાય લીધી. મને અહીંનું પર્યાવરણ એટલું બધું ગમી ગયું કે મને થયું, વારંવાર અહીં આવતા રહીએ તો ?