મધ્યમ વર્ગની સમસ્યાઓ પર નિબંધ Problems of Middle Class Essay in Gujarati

મધ્યમ વર્ગની સમસ્યાઓ પર નિબંધ Problems of Middle Class Essay in Gujarati: સમાજમાં ત્રણ વર્ગો છે : શ્રીમંત, મધ્યમ અને ગરીબ. તેમાં આજની કાળઝાળ મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગ ન કહેવાય કે ન સહેવાય’ જેવી સ્થિતિનો સામનો કરતો રહે છે.

Problems of Middle Class Essay in Gujarati

મધ્યમ વર્ગની સમસ્યાઓ પર નિબંધ Problems of Middle Class Essay in Gujarati

શ્રીમંત વર્ગને મોંઘવારી અને બેકારી જેવી વિટંબણાઓની અસર હોતી નથી, કારણ કે એમની આવક ખાસ્સી વધારે હોય છે. બીજી બાજુ ગરીબ વર્ગના રોજિંદા જીવન પર મોંઘવારી અને બેકારીની ઝાઝી અસર થતી નથી, કારણ કે ગરીબ વર્ગની જરૂરિયાતો ધણી ઓછી હોય છે. વળી, આ વર્ગને સામાજિક મોભાને અને પ્રતિષ્ઠાને જાળવી રાખવાની

ફિકર પણ હોતી નથી. તેને સામાજિક વ્યવહારો માટે મોટા ખર્ચા કરવા પડતા નથી. કુટુંબના બધા સભ્યો કંઈક ને કંઈક ખપ પૂરતું રળી લે છે, પરંતુ આપણા દેશમાં મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીઓ પાર વિનાની હોય છે.

મધ્યમ વર્ગમાં નાના ખેડૂતો, નાના વેપારીઓ અને નોકરિયાતોનો સમાવેશ થાય છે. મધ્યમ વર્ગની સ્થિતિ ઘંટીનાં બે પડ વચ્ચે પિસાતા અનાજના દાણા જેવી અથવા સૂડી વચ્ચે સોપારી જેવી હોય છે. તે શ્રીમંત વર્ગની જેમ છૂટથી પૈસા વાપરી શકતો નથી કે ગરીબ વર્ગની જેમ અભાવથી ભરેલું જીવન પણ જીવી શકતો નથી. મધ્યમ વર્ગમાં કમાનાર વ્યક્તિ એક અથવા બે જ હોય છે અને એની ટૂંકી આવક પર આખું કુટુંબ નભતું હોય છે. પોતાનાં બાળકોનો ઉછેર કરવો, એમને ભણાવવાં, સામાજિક પ્રસંગો ઉકેલવા, વ્યવહારો નિભાવવા, ઘરમાં જરૂરી સગવડો ઊભી કરવી વગેરે કારણોસર એણે ઘણો ખર્ચ કરવો પડે છે. બેકારીના આજના યુગમાં મધ્યમ વર્ગનો માણસ મહામુશ્કેલીમાં નોકરી મેળવી શકે છે. એને નાનીમોટી નોકરી તો મળી જાય છે પણ પગાર ઓછો મળે છે. વળી, નોકરી છૂટી જવાની તલવાર સદાય એને શિરે લટક્યા કરે છે. આજે દરેક ક્ષેત્રમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બાળકને શાળામાં પ્રવેશ અપાવવાથી માંડીને નોકરીએ લગાડવા સુધી ઠેકઠેકાણે ‘ડોનેશન’નાં ઓઠાં હેઠળ લાંચ આપવી પડે છે. બાળકના શિક્ષણ માટે પુષ્કળ ખર્ચ કરવો પડે છે. સારી તબીબી સેવા પણ ખૂબ મોંઘી થઈ ગઈ છે. એમાંય જો ઘરમાં લગ્નપ્રસંગ, મરણ કે માંદગીના પ્રસંગો આવી પડે ત્યારે તો એ વ્યક્તિની અવદશા જ થાય છે. એને માથે દેવાના ડુંગર ખડકાઈ જાય છે. દીકરીનાં લગ્ન હોય તો દહેજ આપ્યા વિના છૂટકો નથી હોતો. આવા પ્રસંગે દીકરીનો પિતા કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. રોજના ખચી માંડમાંડ પૂરા થતા હોય ત્યાં સારામાઠા પ્રસંગે સામાજિક રીતરિવાજો પ્રમાણોનો ખર્ચ ક્યાંથી કરવો? આથી મધ્યમ વર્ગનો માનવી ઘણી વાર ચિંતાઓથી ઘેરાઈ જાય છે. ચિંતાઓથી છુટકારો મેળવવા એ વધારે ઢસરડા કરે છે અને ક્યારેક તો એ આપઘાત જેવો ટૂંકો રસ્તો પણ અપનાવી લે છે, પણ વિસંગત સમાજવ્યવસ્થામાં તેનાથી કંઈ જ ફેર પડતો નથી..

મધ્યમ વર્ગે પોતાની હાડમારીઓ ઘટાડવા કમર કસવી પડશે. તેણે હિંમત રાખીને અને લોકોની ટીકાટિપ્પણીની પરવા કર્યા વિના સામાજિક રીતરિવાજોના નામે થતા બિનજરૂરી ખોટા ખર્ચા પર અંકુશ મૂકવો પડશે. લગ્નપ્રસંગો સાદાઈથી ઊજવવા પડશે. મરણપ્રસંગે થતા જમણવારોના ખોટા ખર્ચા બંધ કરવા પડશે. ઘરખર્ચમાં કરકસર કરવી પડશે. મોટાં થયેલાં બાળકોને આત્મનિર્ભર બનાવવાં પડશે. તેમને ‘કમાતાં કમાતાં ભણો’ (earn while learn)ના પાઠ શીખવવા પડશે. ઘરની બીજી વ્યક્તિઓ પણ ગૃહઉદ્યોગો દ્વારા પૂરક કમાણી કરે તેવું આયોજન કરવું પડશે.

મધ્યમ વર્ગના માણસે સ્વમાનભેર જીવવા માટે સ્વાવલંબન અને સાદાઈ અપનાવવા જ પડશે.


Share: 10

Hi, I am a B.A. student. On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read.