રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati: રવિવારનો દિવસ હતો. મારા કાકા સપરિવાર મુંબઈથી અમદાવાદ આવવાના હતા. હું મારા પિતાજી સાથે કાકાને તેડવા સવારે સાત વાગ્યે સ્ટેશને પહોંચ્યો.

અમદાવાદના વિશાળ રેલવે-સ્ટેશનની બહાર વાહનોની ખુબ ભીડ હતી. તેમાં રિશાઓ અને ટેક્સીઓ હારબંધ ઊભેલી હતી. સામે જ વિશાળ જગ્યામાં ખાનગી વાહનો સાઇકલો, સ્કૂટરો, મોટરો વગેરે પાર્ક કરેલાં હતાં. વાહનોની અવરજવર સતત ચાલુ જ હતી. સ્ટેશનના ટાવરનું વિશાળ ઘડિયાળ સવારના સાતનો સમય બતાવતું હતું. સ્ટેશન પર હારબંધ અનેક ટિકિટબારીઓ હતી. ત્યાં મુસાફરોની લાંબી કતારો લાગેલી હતી. દીવાલ પર અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં રેલવે સમયપત્રકનાં પાટિયાં લગાવેલાં હતાં, રેલવે સ્ટેશન પર પૂછપરછ બારી, પ્રતીક્ષાખંડ, બાંકડા, કચરાપેટીઓ, વજનકાંટો વગેરે હતાં.

રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

અમે પ્લેટફૉર્મ ટિકિટ ખરીદી અને એક નંબરના પ્લૅટફૉર્મ પર ગયા. ગાડી આવવાનો સમય થઈ ગયો હતો એટલે લોકોની ભીડ પણ ખૂબ હતી. એવામાં જાહેરાત થઈ કે મુંબઈથી આવતી ગાડી અડધો કલાક મોડી છે. આથી અમને લૅટફૉર્મ પર આમતેમ આંટા મારવાનો મોકો મળ્યો. પ્લેટફૉર્મ પર ઠેરઠેર બાંકડા, ચા-નાસ્તાના સ્ટોલ, છાપાં અને સામયિકોના સ્ટૉલ, પાણીના નળ વગેરે હતા. દરેક સ્ટૉલ પર લોકોની ભીડ હતી. લાલ પાઘડી અને લાલ શર્ટ પહેરેલા કુલીઓ માથા પર સામાન ઊંચકીને આવતાજતા હતા. કેટલાક કુલીઓ ઠેલણગાડીઓ લઈને દોડતા હતા. સ્ટેશન પર ઘોંઘાટનું વાતાવરણ હતું. આવા ઘોંઘાટમાં પણ કેટલાક લોકો બાંકડા પર બેઠાંબેઠાં કે સામાન પર માથું ટેકવીને આરામથી ઊંધતા હતા!

સ્ટેશન પરનું વાતાવરણ જોઈને મને કવિ સુન્દરમૂની 13-7ની લોકલ’ કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી. તેમાં કવિએ ધસમસતી આવતી ટ્રેનનું કેવું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે !

“ગામડા ગામના ભોળા ખેડૂના દેણની સમી
ક્ષણમાં વાધતી આવે ધોડતી લૅટફૉર્મમાં
ફૂંફાડે, હાંફતી, મોટા સીત્કારાઓ ડરામણા
કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી.”

કવિએ ટ્રેનની સીટીને કવિ કઈ રીતે વર્ણવે છે? –

“કુરૂ ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે,
અને ત્યાં ઊપડી જાતી એમ તે ગાડી આખરે.”

આમ, આ પંક્તિઓ મારા મનમાં રમતી હતી ત્યાં જ મુંબઈથી ગાડી આવી રહી છે તેવી જાહેરાત થઈ. ગાડી ઊભી રહેતાં જ મુસાફરો પોતાના સામાન સાથે ઊતરવા તૈયાર થઈ ગયા અને ધક્કામુક્કી શરૂ થઈ. ગાડીમાંથી સામાન સાથે ઊતરનારા મુસાફરો શાંતિથી ઊતરી શકતા ન હતા. તેમાં વળી કેટલાક કુલીઓ ધકકા મારીને ડબ્બામાં ઘૂસવા લાગ્યા. બાળકો અને વૃદ્ધોની તો દશા બેઠી હતી.

એક ડબ્બામાંથી મારા કાકા ઊતરતા હતા. મારી નજર તેમના ઉપર પડી. મારા કાકા અને તેમના પરિવારનું અને સ્વાગત કર્યું. મારાં કાકી અને તેમની દીકરી તો મને ભેટી જ પડ્યાં !

અમે સ્ટેશન બહાર આવ્યાં અને ટેક્સીમાં બેસીને ઘેર આવ્યાં. મને વિચાર આવ્યો કે રેલવે દ્વારા મુસાફરો માટે સગવડો વધારવી જોઈએ અને લોકોએ પણ રેલવે-સ્ટેશને વ્યવસ્થા જાળવવી જોઈએ.