જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati

જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati: શિસ્ત એટલે નિયમ અનુસારનાં વિવેકપૂર્વકનાં વાણી અને વર્તન. પ્રકૃતિનાં તમામ તત્ત્વોમાં શિસ્તનાં દર્શન થાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને નક્ષત્રો તેમની શિસ્તમાં રહે છે. પ્રકૃતિનો સમગ્ર રીતે વ્યવહાર શિસ્તબદ્ધ ચાલ્યા કરે છે.

જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati

આપણા રોજિંદા વ્યવહારમાં પણ શિસ્ત અનિવાર્ય છે. તેમાં પણ શાળાકૉલેજો, કચેરીઓ, લશ્કર, પુસ્તકાલયો, કારખાનાં, રેલવે સ્ટેશનો, બસ-સ્ટેશનો વગેરે ક્ષેત્રોમાં શિરતનું ઘણું મહત્ત્વ છે. શિસ્ત વિના શાળા ચાલી ન શકે, શિસ્ત વિના લશ્કર નભી ન શકે. શિસ્ત વિના પુસ્તકાલયો ચાલી ન શકે. શિસ્ત વિના રેલવે સ્ટેશન, બસ-સ્ટેશન, કારખાનાં વગેરે સ્થળોએ અવ્યવસ્થા સર્જાય. લશ્કરના સૈનિકોમાં શિસ્ત ન હોય તો દેશની સલામતી જોખમમાં મુકાઈ જાય. પરદેશી આક્રમણ સામે દેશને રક્ષણ આપી ન શકાય. આંતરિક સલામતી જોખમાય. સરકારી કચેરીઓમાં શિસ્ત ન હોય તો લોકોનાં કામો અટકી પડે. શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ન હોય તો શાળામાં અવ્યવસ્થા સર્જાય.

આમ, માનવજીવનમાં શિસ્તનું ઘણું મહત્ત્વ છે. શિસ્ત જાળવનાર માણસમાં નિયમિતતા, વિનય અને વિવેક જેવા ગુણો કેળવાય છે. શિસ્ત દ્વારા મનોબળ દૃઢ થાય છે અને સંકલ્પશક્તિનો વિકાસ થાય છે. શિસ્તથી જવાબદારીની ભાવના વિકસે છે. શિસ્તથી આળસ દૂર ભાગે છે. આમ, શિસ્તથી અનેક સદ્ગુણોનો વિકાસ થાય છે. શિસ્તબદ્ધ વ્યક્તિ જ મહાન બની શકે છે. તે પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરી શકે છે. શિસ્તબદ્ધ આચરણે. કરીને વિદ્યાર્થી પ્રગતિ સાધી શકે છે, યુવાનો યશસ્વી કારકિર્દી બનાવી શકે છે અને વૃદ્ધો અન્ય લોકો માટે પૂજનીય બની શકે છે.

શિસ્તના બે પ્રકાર છે : સ્વયંશિસ્ત અને ફરજિયાત લાદેલી શિસ્ત, વ્યક્તિ પોતાની અંતઃસ્ફરણા વડે જે શિસ્તપાલન કરે તેને સ્વયંશિસ્ત કહેવાય. સ્વયંશિસ્ત કાયમ ટકે છે. અને એ માનવીને પ્રગતિના પંથે દોરે છે. સ્વયંશિસ્તવાળો માનવી આદર્શ જીવન-વ્યવસ્થા માટેના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે છે. તે બીજાની સગવડ સાચવવાનો પ્રયત્ન કરે છે. તે કોઈને બતાવવા માટે કે લોકોમાં સારા કહેવડાવવા માટે નહિ, પણ પોતાના, સમાજની અને દેશના હિત માટે તેમજ સર્વસામાન્ય વ્યવસ્થા જળવાય તે માટે શિસ્તબદ્ધ રહે છે. રેલવે સ્ટેશને કે બસ-સ્ટેશને હારમાં ઊભા રહેવામાં એને શરમ કે સંકોચ નડતાં નથી. તેને વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવામાં અહંકાર આડે આવતો નથી. સ્વયંશિસ્ત હોય ત્યાં ભય કે દબાણને કોઈ જ સ્થાન હોતું નથી. શિસ્તબદ્ધ ખેલાડી આપમેળે જ વહેલો ઊઠે છે, કસરત કરે છે અને ખેલદિલીપૂર્વક રમે છે. તે રમતના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. અને જો એ રમતમાં હારી જાય તો વિજેતા ખેલાડીને હસતાંહસતાં અભિનંદન આપે છે.

જે દેશની પ્રજા શિસ્તબદ્ધ છે, તે પ્રજાએ ખૂબ પ્રગતિ કરી છે. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોની પ્રગતિ ત્યાંની પ્રજાની શિસ્તને આભારી છે. શિસ્ત વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું હોય છે. જ્યાં શિસ્તનો અભાવ હોય ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે. શાળાઓમાં હાજરી અને અભ્યાસની બાબતમાં વિદ્યાર્થીઓ અનિયમિત રહે, ઘોંઘાટ કે ધમાલ કરે, શાળાની માલમિલકતને નુકસાન કરે, હડતાલ પાડે, અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા કરે એવા બનાવો તેમની ગેરશિસ્તને કારણે જ બને છે.

જ્યાં સ્વયંશિસ્ત જળવાતી ન હોય, ત્યાં ફરજિયાત શિસ્ત લાદવી પડે છે. કોઈ પણ સંસ્થાની વ્યવસ્થા જાળવવા માટે કડક શિસ્ત લાદવી અનિવાર્ય થઈ પડે છે. શિસ્તબદ્ધ આચરણ ન કરનાર વ્યક્તિની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવી પડે છે.

શિસ્તને સવ્યવહાર, વિવેક અને વિનય સાથે ગાઢ સંબંધ છે. આથી આપણે શિસ્તબદ્ધ આચરણ કરીને આપણી શાળા, સમાજ અને દેશનું ગૌરવ વધારીએ.