આજનો વિદ્યાર્થી: વિદ્યાર્થી કે પરીક્ષાર્થી? પર નિબંધ Today’s Student Essay in Gujarati

આજનો વિદ્યાર્થી : વિદ્યાર્થી કે પરીક્ષાર્થી? પર નિબંધ Today’s Student Essay in Gujarati: શિક્ષણમાં હાલમાં તમામ સ્તરે સિમેસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. જેમાં બોર્ડ કે યુનિવર્સિટી વર્ષમાં બે વખત પરીક્ષા લે છે. શાળા અને કોલેજો દ્વારા બે સત્રાંત પરીક્ષાઓ તો પહેલાંની જેમ લેવાય છે પણ બોર્ડ અને યુનિવર્સિટી દ્વારા વર્ષમાં એકને બદલે બે પરીક્ષાઓ લેવાય છે. પરિણામે વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન કુલ ચાર પરીક્ષાઓ આપવી પડે છે.

આજનો વિદ્યાર્થી : વિદ્યાર્થી કે પરીક્ષાર્થી? પર નિબંધ Today’s Student Essay in Gujarati

જાહેર રજાઓ, વૅકેશન્સ અને ચાર પરીક્ષાઓમાં શૈક્ષણિક વર્ષના મોટા ભાગનો સમય ખર્ચાઈ જાય છે. પછી શિક્ષણકાર્ય માટે ચાર-પાંચ માસ જેટલો સમય માંડ બચે છે. એમાં પણ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ કાર્ય કરવું પડે છે, તેથી વિદ્યાર્થી હવે. વિદ્યાથી નથી રહ્યો, માત્ર પરીક્ષાર્થી બનીને રહી ગયો છે.

વર્ષનો સળંગ અભ્યાસક્રમ અને બે સત્રાંત તથા એક વાર્ષિક પરીક્ષાની પ્રથા ઘણી સારી હતી. એ સત્રાંત પરીક્ષાઓના પરિણામને આધારે વિદ્યાર્થી સ્વમુલ્યાંકન કરી શકતો. તેને આધારે તે વાર્ષિક પરીક્ષા માટે જરૂરી મહેનત કરીને સારું પરિણામ મેળવી શકતો.

ફાઇનલ પરીક્ષા વર્ષને અંતે લેવામાં આવતી હોવાથી વિદ્યાર્થી રમતગમત, સંગીત, ચિત્રકામ, અભિનય, વતૃત્વકલા વગેરે જેવી ઇતરપ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતો હતો. તેનાથી વિદ્યાર્થીના વ્યક્તિત્વનો પૂરતો વિકાસ થઈ શકતો હતો. હવે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ લેવાતી હોવાથી વિદ્યાર્થી પાસે ખેલકૂદ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સમય જ બચતો નથી.

પરીક્ષાઓનું માળખું બદલાય છે પણ અભ્યાસક્રમો ખાસ બદલાતી નથી. સમયની સાથે અભ્યાસક્રમોમાં ફેરફાર થવો જોઈએ. અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે વિદ્યાર્થી અને તેના વાલીનો પણ અભિપ્રાય લેવો જોઈએ. વિદ્યાર્થીને જે ભણવાનું ગમતું હોય તે જ એને ભણાવવું જોઈએ. ભણતર તેને માટે બોજારૂપ નહીં પણ ગમતી પ્રવૃત્તિ બનવી જોઈએ. વિદ્યાર્થીને જીવનમાં ઉપયોગી નીવડે તેવી વિદ્યાઓ શીખવવી જોઈએ. જ્યારે હાલની શિક્ષણપદ્ધતિમાં તો વિદ્યાર્થી માત્ર પરીક્ષાર્થી બની ગયો છે. પરીક્ષા તો વિદ્યાર્થીએ મેળવેલી સજ્જતા તપાસવા માટે છે, કસોટી કરવા માટે નહીં, તેથી શિક્ષણ કાર્ય વધુમાં વધુ થવું જોઈએ પણ પરીક્ષા તો વર્ષે, બે વર્ષે કે ત્રણ વર્ષે લેવી જોઈએ.

આજે તો પરીક્ષાઓનો એટલો બધો અતિરેક થઈ ગયો છે કે વિદ્યાર્થી જાણે કે વિદ્યાર્થી રહ્યો જ નથી, માત્ર પરીક્ષાર્થી બનીને રહી ગયો છે. છાશવારે લેવાતી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો, બંનેને સતત તાણમાં રાખે છે. તે વિદ્યાર્થી, શિક્ષક કે શિક્ષણ, કોઈને માટે ઉપકારક નથી.

1 thought on “આજનો વિદ્યાર્થી: વિદ્યાર્થી કે પરીક્ષાર્થી? પર નિબંધ Today’s Student Essay in Gujarati”

Comments are closed.