વન મહોત્સવ પર નિબંધ Van Mahotsav Essay in Gujarati

વન મહોત્સવ પર નિબંધ Van Mahotsav Essay in Gujarati: ભારત ખેતીપ્રધાન દેશ છે. ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. વરસાદની આધાર વૃક્ષો પર રહેલો છે. તેથી જ કહેવાય છે કે ‘વૃક્ષનું જતન, આબાદ વતન’.

વન મહોત્સવ પર નિબંધ Van Mahotsav Essay in Gujarati

20મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલૉજીનો ખૂબ વિકાસ થયો. પરિણામે ઠેરઠેર જંગી કારખાનાં અને મોટામોટા ઉદ્યોગો સ્થપાયા. વસ્તીવધારો પણ કૂદકે ને ભૂસકે થવા લાગ્યો. આથી માનવવસવાટ માટે મોટા પાયે જમીનની જરૂર પડી. કારખાનાં અને વસવાટની જંગી ભૂખ સંતોષવા આડેધડ વૃક્ષો કપાવા લાગ્યાં.

વૃક્ષછેદનનાં અનેક માઠાં પરિણામો આજે જોવા મળે છે. વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે. આથી અવારનવાર દુષ્કાળ પડે છે. પરિણામે પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે. કેટલાંક ગામોમાં તો પીવાના પાણીની પણ ઘણી અછત. વર્તાય છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. વરસાદના અભાવે પશુઓ માટે ઘાસચારાની પણ અછત સર્જાય છે, પરિણામે માલધારીઓને પોતાનાં પશુઓ સાથે હિજરત કરવાની ફરજ પડે છે. ઘાસચારા અને પાણી વિના ઘણાં ઢોર મૃત્યુ પામે છે. વૃક્ષો વગરની ધરતી સાવ બોડી લાગે છે. જંગલો ઘટતાં જવાના કારણે જંગલી પશુઓની સંખ્યા પણ ઘટતી જાય છે.

વૃક્ષો વાતાવરણને ઠંડું અને શુદ્ધ રાખે છે. વૃક્ષછેદનથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. કહેવાય છે કે વૃક્ષો વર્ષાને નોતરે અને વૃક્ષછેદન દુષ્કાળને.

હવે આપણા સ્વાર્થ ખાતર વૃક્ષોને કાપવાથી આવતાં માઠાં પરિણામોની ગંભીરતા લોકોને અને સરકારને સમજાઈ છે. તેથી દર વરસે વર્ષાસતુમાં વનમહોત્સવ ઊજવવામાં આવે છે. લોકો વૃક્ષોનો મહિમા સમજે, લોકો આડેધડ વૃક્ષો કાપતાં અટકે અને વધુ ને વધુ વૃક્ષો વાવે તેમજ તેમને સારી રીતે ઉછેરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. શાળાઓમાં વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે છે. ખુલ્લી જગામાં અને રસ્તાની બંને બાજુએ છોડ રોપવામાં આવે છે અને તેને જાળવવાની તથા ઉછેરવાની વ્યવસ્થા કરાય છે, ઠેરઠેર વૃક્ષારોપણનો મહિમા દર્શાવતાં પોસ્ટરો લગાવવામાં આવે છે. શાળાઓમાં તે અંગેની ચિત્રસ્પર્ધા કે વસ્તૃત્વસ્પર્ધાનું પણ આયોજન કરાય છે. વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટે અનેક સંસ્થાઓ જુદાજુદા કાર્યક્રમો યોજે છે.

આપણે વનમહોત્સવનું મહત્ત્વ સમજીએ. વૃક્ષોની હરિયાળી એ ધરતીમાતાનો વૈભવ છે. વૃક્ષનું જતન, આબાદ વતન,’ ‘વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’, ‘વૃક્ષછેદન મહા પાપ’, ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ જેવાં સૂત્રો સમજીએ, બીજાને સમજાવીએ તથા જીવનમાં અપનાવીએ. ધરતીની આબાદી માટે આપણે દર વર્ષે એકએક વૃક્ષ વાવીને તેને ઉછેરવાનો શુભસંકલ્પ કરીએ.