સાહસ વિના સિદ્ધિ નથી પર નિબંધ Venture Without Not Success Essay in Gujarati

સાહસ વિના સિદ્ધિ નથી પર નિબંધ Venture Without Not Success Essay in Gujarati OR Sahasa Vina Siddhi Nathi Gujarati Nibandh: સલામતી અને પ્રગતિ કદી સાથેસાથે ન રહી શકે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સાહસ કર્યા વિના સિદ્ધિ મળતી નથી.

બાળક પડી જવાના ભયથી ડગ જ ન માંડે તો તે ચાલતાં શીખી ન શકે. નટ દોરડા પરથી પડી જવાનો ભય રાખે તો એ પોતાનો ધંધો જ ન કરી શકે, ખોટ થવાના ભયથી વેપારી ધંધો ન કરે તો એની રોજીરોટી જ અટકી પડે. સલામતીનો જ વિચાર કર્યા કરવાથી આપણને આપણા લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી.

સાહસ વિના સિદ્ધિ નથી પર નિબંધ Venture Without Not Success Essay in Gujarati

ઇતિહાસમાં સાહસવીરોની નોંધ લેવામાં આવે છે, કાયરોની નહિ. કોલંબસે સાહસવૃત્તિથી અનેક આફતોનો સામનો કરીને અમેરિકા ખંડ શોધી કાઢ્યો હતો. તેનસિંગ અને હિલેરી અપૂર્વ સાહસિકતા દાખવીને એવરેસ્ટ પર પહોંચી શક્યા હતા. રશિયન અને અમેરિકન અવકાશયાત્રીઓ પણ એમની રોમાંચક સાહસવૃત્તિને લીધે જ ચંદ્રની યાત્રાઓ કરી શક્યા હતા. સિકંદર, સમુદ્રગુપ્ત, નેપોલિયન વગેરેનાં જીવન અનેક સાહસોથી ભરેલાં છે.

ગુજરાતના જાણીતા કવિ પ્રીતમે યોગ્ય જ કહ્યું છે કે :

“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.”

સત્યનો માર્ગ પણ શૂરાનો માર્ગ છે. આ માર્ગે ચાલવા માટે પણ સાહસની જરૂર પડે છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ તેમજ બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ પયગંબર વગેરે મહાપુરુષોએ એમનામાં રહેલી સાહસિક્તા થકી સત્યની શોધ કરી હતી. મરજીવાઓ એમના. જીવને જોખમમાં મૂકીને દરિયામાંથી મોતી શોધી લાવે છે. જો તેઓ પોતાની સલામતીની ચિતા કર્યા કરે તો તેઓ મોતી ન મેળવી શકે. નિઃશસ્ત્ર અને અહિંસક ગાંધીજી શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે જિદગીભર ઝઝૂમતો રહ્યા હતા.

અહિંસક સત્યાગ્રહના જંગમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલે એમની અભૂતપૂર્વ સાહસવૃત્તિનો પરિચય આપ્યો હતો. ‘હિંમતે મર્દા, તો મદદે ખુદા.’ અર્થાત્ જે સાહસ કરે છે તેને જ ભગવાન મદદ કરે છે, અંગ્રેજીમાં કહેવત છે: God helps those who helps themselves.

સાહસ કરવાથી માનવીમાં અનેક ગુણોનો વિકાસ થાય છે, તે આત્મવિશ્વાસ કેળવી શકે છે. તેને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની સૂઝ મળે છે. તેની સર્વાગી પ્રગતિ થાય છે. તેથી તેનો ઉત્સાહ વધે છે અને તે નવાનવા સાહસો કરવા પ્રેરાય છે: સાહસ કરનાર જ નામ અને દામ બંને મેળવી શકે છે.

નર્મદે યોગ્ય જ કહ્યું છે :

“ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.”

સાહસ કરવાનું જરૂરી છે, પરંતુ સાહસ કરનારે પોતાની શક્તિની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. તમારે તમારો કોટ તમારા કાપડની મર્યાદા અનુસાર જ બનાવવો પડશે (Cut your coat according to your cloth). એટલે કે માનવીએ પોતાની શક્તિની મર્યાદામાં રહીને જ સાહસ કરવું જોઈએ. દેખાદેખીથી કે લોભથી પ્રેરાઈને પૂરતો વિચાર કર્યા વગર સાહસ કરનારની દશા ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થાય છે. વગર વિચાર્યું ગજા ઉપરાંતનો વેપાર કરનારો વેપારી ઘણી વાર આફતમાં સપડાઈ જાય છે. તે ભારે ખોટ કરે છે અને પોતાની મૂડી પણ ગુમાવી બેસે છે. એટલે સાહસ કરતાં પહેલાં બધી બાજુનો, ખાસ કરીને સમય અને સંજોગોનો પૂરેપૂરો વિચાર કરવો જોઈએ. વ્યવસ્થિત આયોજન પણ કરવું જોઈએ.